રાજકોટ-

છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી દેશમાં કોરોનાની મહામારી છે. એવામાં આ વર્ષે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાને આરે છે, ત્યારે કોરોનાના કેસ ઓછા થવાના કારણે રાજ્ય સરકાર દ્વારા તહેવારને લઈને થોડી છૂટછાટ જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવા માટેની પણ પરવાનગી આપી છે. આ સાથે જ જન્માષ્ટમી નિમિત્તે પણ રાત્રી કર્ફ્યૂ થોડા સમય માટે ઘડવામાં આવ્યું છે, ત્યારે રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાની મંજૂરી માંગવામાં આવી હતી. જેને પોલીસ કમિશ્નર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જ્યારે આ શોભાયાત્રાનો રૂટ ઘટાડવામાં આવ્યો છે અને કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રા દરમિયાન કોરોના ગાઇડલાઇન મુજબ અને હાલના જાહેરનામાનો અને માસ્ક, સેનેટાઇઝર સાથે સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવું વિગેરે બાબતોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ અંગે આયોજકોને પણ સુચના કરવામાં આવેલા છે. ચાલુ વર્ષે કોરોના ગાઇડલાઇન સંદર્ભે શોભાયાત્રાના આયોજકો સાથે સંયુક્ત પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં રથયાત્રાનો રૂટ ટુંકાવવાનો નિર્ણય સંયુકતપણે લેવામાં આવેલો છે. તેમજ શોભાયાત્રા સાથે બાઇક સવારો જે અગાઉથી નિશ્ચિત કરેલા છે. તેઓએ જ શોભાયાત્રાની સાથે રહેવાની અનુમતિ આપવામાં આવેલી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે શોભયાત્રા યોજાનાર છે.