રાજકોટ-

રાજકોટમાં ચોરીની ઘટનાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર ૧૦માં મયુરભાઈ ફળદુ નામના વ્યક્તિના ઘરની દીવાલ રાખેલા ૨ બોન્સાઇ સહિત ૪ પ્લાન્ટની બે મહિલા તસ્કરે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ચોરીની અજીબો ગરીબ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. અ અંગે મયુરભાઈ ફળદુ જણાવ્યું હતું કે, ૨ માર્ચના રોજ વહેલી સવારે બે અજાણી સ્ત્રી એક્ટિવા લઈને પ્રથમ મારા ઘરની આજુબાજુ રેકી કરતી નજરે પડી હતી. રેકી કરતા સમયે તે અમારા ઘર તેમજ અમારા ઘરની દિવાલ પર રહેલા બોન્સાઇ સહિતના વૃક્ષોને જાેતી હતી.

ત્યારબાદ આજુબાજુમાં કોઈ મકાનમાં જાગે છે કે કેમ તે સહિતની રેકી કર્યા બાદ તે ફરી વખત ઘર પાસે પોતાનું એક્ટિવા ઉભું રાખે છે. ત્યારબાદ બે મહિલા પૈકી એક મહિલા એક્ટિવામાંથી ઉતરી મારા ઘર તરફ આવે છે. ત્યારબાદ બોન્સાઇ સહિત ૪ જેટલા પ્લાન્ટની ચોરી કરી ત્યાંથી નાસી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ચોરીની ઘટના મામલે મેં ૫ માર્ચના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજીમાં પણ મેં પોલીસને મારા ઘરમાં થયેલી ચોરી અંગે યોગ્ય તપાસ થાય તે બાબતે વિનંતી પણ કરી છે. મારા ઘરેથી જે ચાર પ્રકારના પ્લાન્ટની ચોરી થઇ છે તે પૈકી બોન્સાઇ વૃક્ષનો ઉછેર હું છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યો હતો. ઇન્ડોર પ્લાન્ટ હોવા છતાં સનલાઇટ માટે હું અઠવાડિયામાં બે દિવસ તેમને બહાર સનલાઇટ પુરતા પ્રમાણમાં મળે તે માટે રાખતો હતો.