રાજપીપળા, તા.૪

કોરોનાના કેહેર વચ્ચે લોકડાઉન અમલી બન્યું છે, રોજગાર ધંધા ઠપ્પ થઈ પડતા લોકો કપરી સ્થિતિમાં જીવી રહ્યા છે ત્યારે રાજપીપળા પાલિકાએ વેરા વધારાનું તુત ઉભું કરતા શહેરની પ્રજામાં ભારે આક્રોશ ફેલાયો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વેરા વધારા બાબતે એમ કહ્યું હતું કે રાજપીપળાની પ્રજાનો ને મત હશે એ જ મારો મત હશે. બીજી બાજુ નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ વેરો વધારા બાબતે ફેરવિચારણા કરવા પાલિકને પત્ર લખ્યો હતો.રાજપીપળા શહેર ભાજપ, શહેરના વેપારીઓ સહિત અન્ય લોકોએ પણ વેરો વધારો હાલ પૂરતો મુલતવી રાખવા પોતાનો મત આપ્યો હતો. હવે રાજપીપળા પાલિકા દ્વારા શહેરમાં લારી-પથારા વાળાઓનો વેરો હાલ કરતા ૪ ગણો વધારી દેતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજપીપળા પાલિકા દ્વારા એક જાહેર નોટિસ બહાર પડાઈ છે જેમાં જણાવ્યું છે કે રાજપીપળા પાલિકાની માલિકીની જમીન પર લારી,પાથરણા અને ગલ્લા મૂકી ધંધો કરતા લોકોએ હવેથી રોજનું ૨૦ રૂપિયા ભાડુ આપવું પડશે. જો એ મુજબ નહિ અપાય તો લારી,પાથરણા અને ગલ્લા તમારા ખર્ચે-જોખમે ઉઠાવી લેવામાં આવશે.અત્યાર સુધી રાજપીપળા પાલિકા લારી-પથારા વાળાઓ પાસે એક દિવસના ૫ રૂપિયા લેતી હતી, જેના અચાનક ૨૦ રૂપિયા કરી દેવાતા પાલિકા સભ્ય કમલ ચૌહાણ, કવિતા માછી સહિત લારી-પથારા વાળા લોકો રાજપીપળા પાલિકામાં ધસી આવ્યા હતા અને પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલને આ મામલે રજુઆત કરી હતી.