જામનગર, જામનગરની સરકારી ફીઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવી રહ્યુ હોવાની કોલેજના આચાર્યને ફરિયાદ મળી હતી. જેને આધારે રેંગિંગ કમિટીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હોસ્ટેલના ૧૫ છાત્રોએ જૂનિયર વિદ્યાર્થિઓની હેરાનગતી કરી રેગીંગ કર્યું હોવાનો તપાસ કમિટીના રીપોર્ટમાં ખુલાસો થયો છે. જેને લઈને કોલેજના પ્રિન્સીપાલે ૧૫ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. ૬ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ ફરવામાં આવી છે. તેમજ ત્રણ વિદ્યાર્થીઓને હજુ સુધી સજા કરવામાં આવી નથી. સરકારી ફીઝિયોથેરાપી કોલેજમાં સોમવારે સાંજે બીજા વર્ષના ૨૮ વિદ્યાર્થીઓએ લેખિતમાં રેગિંગની ફરિયાદ આપી હતી. જેને લઈને પ્રિન્સીપાલ દ્વારા આ ફરિયાદ એન્ટી રેગિંગ કમીટીને સોંપી દેવામાં આવી હતી. જેને લઈ ૩ સભ્યોની એન્ટી રેગિંગ કમિટીએ ભોગગ્રસ્ત અને આક્ષેપિત વિદ્યાર્થીઓ મળી કુલ ૪૫ છાત્રોના નિવેદનો નોંધ્યા હતા. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ ચલાવી ગઈ કાલે સાંજે રીપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસ સમિતિના રીપોર્ટની ભલામણ મુજબ આજે કોલેજના પ્રિન્સીપાલ સોરાણીએ સજાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, હોસ્ટેલમાં જૂનિયર અને સીનિયર વચ્ચે ભેદ ઉભો કરવામાં આવતો હતો. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર પર અવારનવાર દબાણ ઉભું કરાતું હતું.

સીનિયર વિદ્યાર્થીમાં જે ૬ વિદ્યાર્થીઓને વધુ સજા કરવામાં આવી તે વિદ્યાર્થીઓએ આગેવાની લઈ અન્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે જાેડ્યા હતા. જેને લઈને આ ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ પરીક્ષા આપવા નહી દેવાનો ર્નિણય લેવાયો છે. ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ રેગિંગની આગેવાની ન લે તે માટે તેની પર અન્ય કરતા સખ્ત પગલા ભરવામાં આવ્યા છે એમ સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દિનેશ સોરાણીએ જણાવ્યું છે. જાેકે, આ મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે કોલેજ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ આશ્ચર્યની વાત છે.