વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી હરિયાણાની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારી તેમજ તેને માર મારવાના ચકચારભર્યા બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપી ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ તેમજ યુવતીને ફરિયાદ નોંધાવવા માટે પડદા પાછળ રહીને મદદગારી કરનાર કુખ્યાત વોન્ટેડ બુટલેગર અલ્પુ સિંધી પૈકી એક પણ આરોપીની બળાત્કારના આઠ-આઠ દિવસ બાદ ધરપકડ નહી થતાં શહેર પોલીસ તંત્ર આવી ગંભીર તપાસમાં ફરી એકવાર વામણુ પુરવાર થયું છે. બીજીતરફ આ કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચને આ બળાત્કારના કેસમાં કેટલાક શોખીન બિલ્ડરોની પણ સંડોવણીના સગડ મળતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચ્યો છે જયારે બળાત્કાર પિડિતાએ પણ મહિલા આયોગના સભ્યને સજ્જડ અને ચોંકાવનારા પુરાવા આપ્યા બાદ ભુર્ગભમાં ઉતરી જતા આ મામલો વધુ પેચીદો બન્યો છે સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચગડોળે ચઢેલા ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં પોલીસની બીબાઢાળ પધ્ધતીથી તપાસ વચ્ચે રોજરોજ નવા નવા ફણગા ફુટી રહ્યા છે. આ કેસમાં બળાત્કાર પિડિતા યુવતી જે ફરિયાદ બાદ સવારે અત્યાર સુધી મહિલા આયોગના સભ્ય શોભનાબેન રાવલ સાથે દિવસભર રહેતી હતી તેણે બે દિવસ અગાઉ રેપકાંડને લગતા કેટલાક સજ્જડ અને ચોંકાવનારા પુરાવા શોભનાબેનને આપ્યા છે. આ પુરાવાને જાેઈને ખુદ શોભનાબેન પણ ચોંકી ઉઠ્યા હતા. જાેકે પુરાવા આપ્યા બાદ યુવતીએ બે દિવસથી તેમના ઘરે આવવાનું બંધ કરી દઈ તે કોઈ અજ્ઞાતસ્થળે ભુર્ગભમાં ઉતરી જતા યુવતીની સલામતિ અંગે પણ પ્રશ્નાર્થો સર્જાયા છે.

વડોદરામાં બળાત્કાર અને હુમલાનો ભોગ બનેલી પિડીતાના પિતા હરિયાણા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે તેમ છતા યુવતીએ આ બનાવની તેના માતા-પિતા કે પરિવારજનોને જાણ કરવાની પહેલા ના પાડી હતી પરંતું હવે તે પણ આ અંગે માતા-પિતાને જાણ કરી અત્રે બોલાવવા માટે સંમત થતાં તેના પરિવારજનો પણ ટુંકસમયમાં અત્રે આવશે તેમ મનાય છે.

બીજીતરફ યુવતી પર બળાત્કાર ગુજારનાર સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ તેમજ યુવતીને ફરિયાદ નોંધાવવા માટે મદદગારી કરનાર નામચીન વોન્ટેડ બુટલેગર અલ્પુ સિંધીનો કોઈ જ પત્તો હજુ સુધી પોલીસને નહી મળતા આવા ગંભીર બનાવમાં વડોદરા પોલીસની કામગીરી વધુ એકવાર વામણી સાબિત થઈ રહી છે અને આ હાઈપ્રોફાઈલ કેસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આજે પણ પુછપરછનો દોર યથાવત રાખ્યો હતો અને રાબેતા મુજબ આજે પણ યુવતીને અશોક જૈન સાથે પરિચય કરાવી તેની ત્યાં નોકરી અપાવનાર પ્રણવ શુક્લા તેમજ અશોક જૈનની પત્ની, ભાઈ અને પુત્રની પુછપરછ કરી હતી. આ કેસમાં આજે અશોક જૈને આગોતરા જામીન અરજી કરી છે જેની વધુ સુનાવણી બુધવાર પર મુલત્વી રહી છે પરંતું અન્ય આરોપી રાજુ ભટ્ટ તેના સમગ્ર પરિવાર સાથે મકાનને તાળું મારી ફરાર થતા તે અશોક જૈનની આગોતરા જામીન અરજીનો શું ચુકાદો આવે છે તે જાેયા બાદ પોતાની આગોતરા જામીન અરજી મુકશે અથવા તો પોલીસ સમક્ષ સરન્ડર કરશે તેમ મનાય છે. આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બળાત્કાર કેસના ફરાર આરોપીઓને શોધવા માટે તેઓની સાસરીમાં તેમજ અન્ય સંબંધીઓના ઘરે તપાસ કરી હતી પરંતું આરોપીઓના કોઈ સગડ મળી શક્યા નથી.

હેવમોર હોટલ પાછળ ઓફિસ ધરાવતા રાજેશ શાહ - પ્રશાંત શાહ કોણ?

આ ચકચારી બળાત્કાર કાંડમાં આજે નવો ફણગો ફુટ્યો છે. મળતી વિગતો મુજબ અશોક જૈન લાયન્સ ક્લબ ઉપરાંત જીટોમાં પણ કાર્યકર છે. આ દરમિયાન સહારાવાળી જમીનના સોદા માટે તેણે જુનાપાદરા રોડ પર હેવમોર હોટલની પાછળ ઓફિસ ધરાવતા બે મોટાગજાના બિલ્ડરો રાજેશ શાહ અને પ્રશાંત જે બંને પણ જીટો સાથે સંકળાયેલા છે તેઓની સાથે મિટીંગો કરી હતી. આ મિટીંગોમાં પણ અશોક જૈન પોતાની ઓફિસમાં લાયઝેનીંગનું કામ કરતી ઉક્ત બળાત્કાર પિડિતા યુવતીને રાજેશ શાહ - પ્રશાંત શાહની ઓફિસમાં લઈ ગયો હતો. બળાત્કાર પિડીતા સાથે હવે બિલ્ડરોએ પણ મિટીંગ કરી હોવાની વાત પ્રકાશમાં આવતા આ બંને બિલ્ડરો કોણ છે ? અને તેઓએ યુવતીના સંપર્કમાં આવ્યા બાદ તેને કેટલીવાર અને ક્યાં ક્યાં મળેલા ? તે પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

રેપકાંડમાં અત્યંત મહત્ત્વના પુરાવા એવા મેમરી કાર્ડ અંગે સસ્પેન્સ

આ સમગ્ર રેપકાંડમાં જે ફ્લેટમાં બળાત્કાર થયો છે ત્યાંના સીસીટીવી કેમેરાના કેટલાક ફુટેજાે સોશ્યલ મિડિયામાં વાયરલ થતા આ ફોટાથી સીએ અને મંદિરના ટ્રસ્ટી જેવા હોદ્દા ધરાવતા લંપટોની જાંઘ ઉઘાડી પડી છે. આ જ સ્થળે યુવતી સાથે આ બે જ આરોપી નહી પરંતું પોલીસ ઉચ્ચાધિકારી, બિલ્ડરો અને રાજકારણીઓએ પણ મુલાકાત કરી હોવાની શંકાને પણ નકારી શકાય નથી. જાેકે સીસીટીવી ફુટેજના મેમરી કાર્ડ અંગે ક્રાઈમ બ્રાન્ચનું સસ્પેન્સ યથાવત રહ્યું છે જેથી વધુ કોઈ વિગતો મળી નથી.

રાજુ ભટ્ટના મકાનમાંથી વિદેશી દારૂની બોટલ મળી ઃ ત્રણ કાર કબજે

હાઈપ્રોફાઈલ બળાત્કાર કાંડમાં સંડોવાયેલા પાવાગઢ શક્તિપીઠ મંદિરનો ટ્રસ્ટી ફરાર આરોપી હેંમત ઉર્ફ રાજુ ત્ર્યંબકલાલ ભટ્ટ (મિલનપાર્ક સોસાયટી, નિઝામપુરા)ના ઘરે આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પુરાવા એકત્ર કરવા માટે તપાસ કરી હતી. તપાસ દરમિયાન રાજુ ભટ્ટના બેડરૂમમાંથી મેસન હાઉસ ફ્રેચ બ્રાન્ડીની એક બોટલ મળી આવતા પોલીસે રાજુ ભટ્ટ વિરુધ્ધ નશાબંધીનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે રાજુ ભટ્ટે બળાત્કારનો ગુનો આચરવા માટે તેમજ ગુનો આચર્યા બાદ પોલીસ ધરપકડ ટાળવા માટે ફરાર થવા માટે અલગ અલગ ત્રણ કારનો ઉપયોગ કર્યો હતો. ડીસીબીની ટીમે રાજુ ભટ્ટની આ ત્રણ કાર પણ કબજે કરી હતી. બળાત્કાર અને હુમલા બાદ હવે રાજુ ભટ્ટ સામે નશાબંધીનો વધુ એક ગુનો દાખલ થતાં મંદિરના ટ્રસ્ટીની આડમાં રહેલો તેનો લંપટ ચહેરો વધુ એક વાર ઉઘાડો પડ્યો છે.

૭૦ લોકોની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી પરંતુ પરિણામ શૂન્ય

બળાત્કાર કાંડમાં આરોપીઓને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે ક્રાઈમ બ્રાન્ચના કહેવાતા બાહોશ એસીપી ડી.એસ.ચૈાહાણ અને તપાસ અધિકારી પીઆઈ વી.આર.ખેર આરોપીઓના સગાસબંધીઓને પુછપરછના બહાને રોજેરોજ સવારથી અભેદકિલ્લા સમાન ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે બોલાવીને બેસાડી રાખે છે અને ૧૨ કલાક બાદ ઘરે પરત મોકલી દે છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કેસમાં અત્યાર સુધી આરોપીઓની પત્ની, પુત્રી, ભાઈ તેમજ તેઓની સાથે સંપર્કમાં આવેલા આશરે ૭૦ લોકોને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને આકરી પુછપરછ કરી હતી પરંતું તેમ છતાં પોલીસને આરોપીઓના કોઈ જ સગડ મળ્યા નથી

૧૪મી તારીખે પીડિતાએ અશોક જૈનની ઓફિસમાં આઈટી ર્રિટન ફાઈલ કરેલું

આ કેસ ખરેખરમાં બળાત્કાર કે હની ટ્રેપનો છે તે મુદ્દે ખુદ પોલીસ અધિકારીઓ પણ મુંઝવણમાં છે. આ મુંઝવણ વચ્ચે આજે આરોપી અશોક જૈનના વકીલ હિતેશ ગુપ્તાએ બળાત્કાર પિડિતાની ૧૪-૯-૨૦૧૨૧ના સાંજાે પોણા આઠ વાગ્યાનો અશોક જૈનની ઓફિસના સીસીટીવી કેમેરાના ફુટેજનો ફોટો દર્શાવી જણાવ્યું હતું કે યુવતીએ અશોક જૈનની ઓફિસમાં ૧૪મી તારીખે પોતાનું આઈટી ર્રિટન ફાઈલ કર્યું હતું અને ત્યાર બાદ તે રાત્રે પોણા આઠ વાગે ઓફિસ સ્ટાફની હાજરીમાં જાતે ઓફિસમાંથી પરત ફરી હતી તે ફોટો છે. આ ફોટોમાં યુવતી એકદમ સ્વસ્થ છે અને તેના શરીરે કોઈ ઈજા દેખાતી નથી. જાે યુવતી કહેતી હોય કે તેની પર ૧૩મી તારીખે બળાત્કાર થયો તો તે ૧૪મી તારીખે ફરી બળાત્કારીની ઓફિસમાં કેમ ગઈ અને તે સમયે સ્વસ્થ કેવી રીતે હતી.

અશોક જૈને ક્લાયન્ટ જયંતી પંચાલ સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કરેલું

પોતાની ઓફિસમાં લાયઝેનીંગનું કામ કરતી યુવતીને અશોક જૈન તેના ક્લાયન્ટો સાથે મિટીંગમાં હાજર રાખતો હતો. યુવતી સાથે અશોક જૈને શરીર સંબંધ બાંધ્યા હોઈ તે યુવતીનો પોતાના ક્લાયન્ટને ખુશ કરવા માટે ઉપયોગ કરવા માટે પ્રયાસ કર્યા હતા. મળતી વિગતો મુજબ અશોક જૈન યુવતીને તેના એક ક્લાયન્ટ જયંતિ પંચાલની ઓફિસમાં મિટીંગમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેણે જયંતિ પંચાલ સાથે સંબંધ રાખવા માટે જણાવ્યું હતું પરંતું યુવતીએ તેની સ્પષ્ટ ના પાડી હતી અને ત્યારબાદ પણ અશોક જૈન અને યુવતી વચ્ચે ડખો ઉભો થયો હોવાનું કહેવાય છે.