21, નવેમ્બર 2021
ભૂજ, વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલા પીછાળા ગામે પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ આડેસર પોલીસ મથકે નોંધાયો હતો. હત્યા પાછળનું કારણ કાયમી ઘર કંકાસ હોવાનું ફરિયાદમાં જાહેર થયું હતું. આ ઘટનાથી ૭ સંતાનોએ પોતાની માતાને કાયમ માટે ગુમાવી દીધી હતી. આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર પિછાળા ગામનો આરોપી નરસી હરી કોલી છૂટક ખેત મજૂરી કરે છે, જેનો તેની પત્ની અમરત સાથે ગત તા. ૧૨ નવેમ્બરના બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગૃહ કંકાસને લઈ ઝગડો થયો હતો. આ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ પત્નીને ધોકા વડે ઢોર માર માર્યો હતો. જેમાં તેની પત્નીને માથા, પીઠ અને બન્ને પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘાયલ પરિણાતાને સ્થાનિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું ગઈકાલે શુક્રવારે સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થતા હતભાગીના પતિ સામે આડેસર પોલીસ મથકે મૃતકના મોટા ભાઈ રાઘુ સુરાભાઈ કોલીએ હત્યા સહિતના ગુના સબબ ફરિયાદ નોંધાવી હતી. જેના અંતર્ગત આડેસર પોલીસના પીએસઆઇ ભરત રાવલે આરોપીને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી હતી.