સુરત-

જિલ્લામાં દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી SITની ટીમે પી.આઈ. લક્ષ્મણસિંહ બોડાણા, પો.કો.અજય રમેશ ભોપાળા, રાઇટર કિરણસિંહ પરમાર અને મુકેશ કુલકર્ણીની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં 7 આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર કિશોર કોસીયા, કનૈયા નારોલા અને હેતલ દેસાઈ ત્રણ હજી પણ પોલીસ પકડથી દૂર છે.

બારડોલીના રાંદેર રોડની સુર્યપુર સોસાયટીમાં રહેતા 74 વર્ષીય દુર્લભભાઇ પટેલે માંડવીના ખંજરોલી ખાતે આવેલી તેમની માલિકીની જલારામ સ્ટોન ક્વોરીની ખાણમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. દુર્લભભાઇની અડાજણના પીસાદની જમીનના 24 કરોડના સોદા બાબતે કિશોર કોસીયા અને કનૈયા નારોલા સાથે માથાકૂટ થઈ હતી. સોદા બાબતે દુર્લભભાઈને 13 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સની પેનલ્ટી આવતા આ વિવાદ વધુ વકર્યો હતો. દરમિયાન કિશોર અને કનૈયાએ આ જમીન રાજુ ભરવાડને વેચી હતી. પરંતુ દસ્તાવેજ બાબતે વિવાદ થતા રાંદેર પી.આઈ. લક્ષ્મણસિંહ બોડાણાએ વચ્ચે નાખી દસ્તાવેજ કરાવવાની સોપારી આપી હતી.જેમાં અજય ભોપાળા અને રાઇટર કિરણસિંહ પરમારે દુર્લભ ભાઈને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું

. જમીન માફિયાઓના ત્રાસથી જ દુર્લભ પટેલે આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ તેમના દીકરા ધર્મેશે માંડવી પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસે સૌ પ્રથમ રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીની ધરપકડ કર્યા બાદ બે દિવસ અગાઉ જ પોલીસ કર્મી વિજય શિંદેની પણ ધરપકડ કરી હતી. દરમિયાન રવિવારના રોજ એસ.આઈ.ટીની ટીમે પી.આઈ. લક્ષ્મણ સિંહ બોડાણા, અજય ભોપાળા અને કિરણસિંહ પરમારને વડોદરાથી ઝડપી લીધા હતા. જ્યારે મુકેશ કુલકર્ણીની પણ પોલીસે ધરપકડ કરી હતી. તમામના કોવિડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસે ચારેયની વિધિવત ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.