દિલ્હી-

રિઝર્વ બેન્કે સોમવારે લોકોને KYC અપડેશનને નામે છેતરપિંડી પ્રતિ સચેત કર્યા છે અને બેન્કે લોકોને સલાહ આપી છે કે તેઓ અજાણી વ્યક્તિઓ અથવા એજન્સીઓની સાથે તેમનાં બેન્ક ખાતાની કે કોઈ અન્ય વિગતો કે પાસવર્ડ જેવી મહત્ત્વની માહિતી શેર ના કરે. બેન્કે એક યાદીમાં કહ્યું હતું કે બેન્કને KYC અપડેશનને નામે ગ્રાહકો દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના શિકાર બન્યા હોવાની ફરિયાદો-રિપોર્ટ મળી રહ્યા છે.

છેતરપિંડી માટે ગ્રાહકો પાસે સામાન્ય રીતે કેટલીક વ્યક્તિગત વિગતો, ખાતાની માહિતી, લોગિનની વિગત, કાર્ડની માહિતી, પિન, OTP શેર કરવાનો આગ્રહ કરવા સાથે ગેરકાયદે, ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અને લિન્કનો ઉપયોગ KYC અપડેશન માટે કરવામાં આવે છે, એમ યાદી કહે છે. આવા પ્રકારના સંદેશવ્યવહાર દ્વારા ખાતાં ફ્રીઝ, બ્લોક કે બંધ કરવાની ધમકી પણ આપવામાં આવે છે, એવી માહિતી છે. એક વાર જ્યારે ગ્રાહક કોલ અથવા મેસેજ એપ્લિકેશન પર માહિતી શેર કરે છે, એ પછી તેઓ છેતરપિંડીના ખાતા સુધી પહોંચી જાય છે અને જેતે ગ્રાહક છેતરપિંડીનો ભોગ બને છે. આથી જનતાને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ ખાતાનું લોગિન IDની વિગતો, વ્યક્તિગત માહિતી, kYC દસ્તાવેજોની કોપી, કાર્ડની માહિતી, પિન, પાસવર્ડ, OTP વગેરે અજાણી વ્યક્તિઓ અથવા એજન્સીઓની સાથે શેર ન કરે. જો ગ્રાહક પાસે આવી માહિતી માગવામાં આવે તે ગ્રાહકોએ બેન્કનો સંપર્ક કરવો જોઈએ.