૭ દિવસમાં ૧૭ લાખ વસૂલ કરો
10, માર્ચ 2021

મહુધા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામે વાંસ પ્રોજેક્ટમાં અનેક ગેરરીતિ આચરીનેે સરકારના રૂ.૧૭ લાખની રકમની ઉચાપતના પ્રકરણમાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયાનાં રિપોર્ટ બાદ ખેડા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીએ કૌભાંડમાં સંડોવાયેલાં ૧૦ જેટલાં કર્મચારી અને પદાધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાના આદેશ આપતાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત તેઓને ફરજ મુક્ત કરવાની સાથે રૂ.૧૭.૬૩ લાખની સાત દિવસમાં વસૂલાત કરવાના આદેશ પણ આપ્યાં છે. આ હુકમાં પગલે મહુધામાં ભ્રષ્ટાચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. 

મહુધા તાલુકામાં વર્ષ ૨૦૧૨થી મનરેગા યોજનામાં વાંસ પ્રોજેક્ટ ચુણેલમાં મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં મહુધા તાલુકામાં એપીઓ, ટીએ, તલાટી, જીઆરએસ તથા અમઇ, સરપંચો અને ડેપ્યૂટી સરપંચ સહિત ૧૦ લોકોએ ભેગાં મળી ખોટાં ડોક્યૂમેન્ટ્‌સ ઊબાં કરીને,કોઈપણ જાતના સ્થળ પરીક્ષણ વગર બેંકોના ખાતામાંથી શ્રમિકોને જાણ બહાર નાણાં ઉપાડી લીધાં હોવાના ગંભીર તથ્યો તપાસમાં બહાર આવ્યાં હતાં! આ ઉપરાંત સ્થળ ઉપર સતત ગેરહાજરી, ફોન ઉપર જ સ્થળની ચકાસણી, ડિજિટલ સહીનો દુરુપયોગ, ફરજમાં ગંભીર બેદરકારી, સરકારી નાણાં અપાવવામાં સંડોવણી, પદાધિકારીઓ સાથે સાઠગાંઠ જેવાં ગોરખધંધા તપાસ દરમિયાન બહાર આવ્યા હતા, જેથી તત્કાલીન ટીડીઓ કાજલ આંબલિયાએ અરજદાર કમલેશ ચૌહાણની ફરિયાદને આધારે આખા કૌભાંડની તપાસ કરી જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ સોંપ્યો હતો. જાેકે, આ દરમિયાન મહુધા ટીડીઓની કામગીરીના વિરોધથી બદલી કરી દેવામાં આવી હતી.  

ખેડા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલાં ચુણેલ ભ્રષ્ટાચારના અહેવાલ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીને સ્પષ્ટ આદેશ કરીને સરકારી નાણાંની વસૂલાત સાત દિવસમાં કરવા જણાવાયું છે. જાેકે, મહુધા તાલુકાના એનઆરજી કર્મચારીઓના નેતાઓ સાથે મળીને કરવામાં આવેલાં કૌભાંડમાં રૂ.૧૭.૬૩ લાખને ઓળવી જવામાં આવ્યા છે, જેથી તાલુકા વિકાસ અધિકારીને સ્પષ્ટ સૂચના આપીને સંડોવાયેલાં સરકારી અને મનરેગાના કર્મચારીઓ ઉપર પોલીસ ફરિયાદ કરીને ફરજમાંથી મુક્ત કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે.

મને મારી ફરજ સમજાવશો નહીં ઃ મહુધા ટીડીઓ

ખેડા જિલ્લા વિકાસ અધિકારીએ તા.૫ માર્ચના રોજ કરેલાં વસૂલાત હુકમ અને કાર્યવાહી સંદર્ભે મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા શું પગલાં લેવામાં આવ્યાં તેવું પૂછવામાં આવતાં મહુધા તાલુકા વિકાસ અધિકારી જબુકા કોટડિયાએ માહિતી આપવાના બદલે ‘મને મારી ફરજ ના સમજાવશો’ એવું જણાવી ફોન કાપી નાખ્યો હતો. વસૂલાત હુકમના પેરા બે સંદર્ભે બીજી વખત ફોન કરી માહિતી મેળવતાં હજુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમ જણાવ્યું હતું.

કોની સામે શું કાર્યવાહી કરવા આદેશ?

• વિક્રમ રાઓલજી - ઉપસરપંચ, ચુણેલ ગ્રામ પંચાયત, પોલીસ ફરિયાદ ગુ.પ.અધિ. ૧૯૯૩ મુજબ 

• એમ.એમ. ચાવડા - તલાટી (નિવૃત ) નાયબ ડીડીઓના માર્ગદર્શન મુજબ 

• આર.એ. વાઘેલા - તલાટી - પોલીસ ફરિયાદ ઉપરાંત શિસ્ત અધિ. શિક્ષાત્મક કાર્યવાહી 

• હસમુખભાઈ એન.પટેલ - માજી સરપંચ - પોલીસ ફરિયાદ 

• મહેશભાઈ મણીભાઈ મકવાણા - જીઆરએસ - પોલીસ ફરિયાદ 

• ગણપતભાઈ રઈજીભાઈ - જીઆરએસ - પોલીસ ફરિયાદ અને ફરજ મુક્ત 

• વિજયકુમાર પ્રભાતસિંહ ભોજાણી - પૂર્વ ટેક્‌નિકલ આસિસ્ટન્ટ - પોલીસ ફરિયાદ 

• જીતેન્દ્ર આર. ગોસાઈ - ટેક્‌નિકલ આસિસ્ટન્ટ - પોલીસ ફરિયાદ અને ફરજ મુક્ત 

• તેજસ શાહ - અધિક મદદનીશ ઈજનેર, મહુધા તાલુકા -પોલીસ ફરિયાદ અને ગુ.પ.અધિ. ૧૯૯૭ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી 

• પંકજ જે. પ્રજાપતિ - એપીઓ - પોલીસ ફરિયાદ અને ફરજમુક્ત

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution