સુરત-

યુવાનો બાદ બાળકોને પણ મોબાઈલમાં વીડિયો ચસકો લાગ્યો છે અને આવી જ રીતે એક બાળકીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં નેપાળી પરિવારની 11 વર્ષીય બાળકી ઘરે મોબાઈલમાં વીડિયો બનાવી રહી હતી. તે દરમિયાન ફાંસો લાગી જતા તેનું મોત થયું હતું. મહિધરપુરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સુરતમાં બાળકોને ઘરમાં મૂકી જતા વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બાળકીને વીડિયો બનાવતી વખતે ફાસો લાગી જતાં તેનું મોત નીપજ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના મહિધરપુરામાં આવેલા હીરા બજારના જાદાખાડીમાં આવેલી સપના બિલ્ડિંગમાં નેપાળી પરિવાર રહે છે. પરિવારના હીરાભાઈની 11 વર્ષીય નીકિતા ફિલ્મી ગીતો પર વીડિયો બનાવી રહી હતી, પરંતુ આ વીડિયો બનાવવાની કિંમત બાળકીએ જીવ ગુમાવીને ચૂકવી હતી. પોલીસની પૂછપરછમાં બાળકીની માતાએ જણાવ્યું હતું કે, તેને ફિલ્મી ગીતો પર વીડિયો બનાવવાનો શોખ હતો. તે જ્યારે ઘરમાં હોય ત્યારે તે અવારનવાર આવા વીડિયો બનાવતી હતી. વીડિયો બનાવતા બનાવતા જ તેને ગળે ફાંસો લાગ્યો હોય શકે છે. મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તેમના મોબાઈલની પણ તપાસ કરશે.