અમદાવાદ-

મણિનગરમાં મોટોભાઈ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી નાના ભાઈએ તેને ઠપકો આપતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલી હદે વણસી ગયો હતો કે, નાનાભાઈએ મોટા ભાઈને ગેસનો બાટલો માથા અને છાતીના ભાગે મારતા મોટાભાઈને ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજી બાજુ મણીનગર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને નાનાભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મણિનગરમાં આવેલી દક્ષિણી સોસાયટી પાસેની સરદારની ચાલી ગણપત ગલીમાં રહેતા 36 વર્ષીય સુભાષ મધુકર ગોગવલે અને તેનો ભાઈ નિલેશ માતા ચંદ્રીકાબહેન સાથે રહે છે.

બંન્ને ભાઈઓ વચ્ચે અવાર નવાર નાની નાની બાબતે ઝઘડો થતો હતો. દરમિયાન રવિવારે બપોરના સમયે સુભાષ ઘરે આવ્યો ત્યારે નાના ભાઈ નિલેશએ કામધંધો ન કરતો હોવાની બાબતે ઠપકો આપતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જો કે આ ઝઘડો એટલી હદે વણસી ગયો હતો કે, સુભાષ તેના ભાઈ નિલેશને ગેસનો બાટલો (રીફીલ) ઉપાડીને મારવા ગયો હતો. તે વખતે નાના ભાઈ નિલેશએ તેના મોટા ભાઈ સુભાષના હાથમાંથી ગેસનો બાટલો લઈને સુભાષના માથાના ભાગ તથા છાતીના ભાગમાં મારી દીધો હતો. જેના કારણે સુભાષને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું. બાદમાં નિલેશે જ 108માં ફોન કર્યો હતો. જેથી 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે સુભાષને મૃત જાહેર કર્યો હતો. જો કે આ ઘટના બાદ નિલેશની માતાને પણ જાણ થઈ હતી. બાદમાં માતાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં તેના દિકરા નિલેશે સુભાષની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા મણીનગર પોલીસે નિલેશના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.