વડોદરા, તા.૨૭ 

શહેરની વારસીયા વિસ્તારની ખાનગી હોસ્પિટલ પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલાં દર્દીનું મૃત્યું થયા બાદ હોસ્પિટલના સંચાલકોએ રૂા.૪.૫૦ લાખનું અધધ.. બિલ ફટકારતાં હોસ્પિટલના સત્તાધિશો તથા દર્દીના સગાઓ વચ્ચે ચકમકઝરી હતી. હોસ્પિટલના સત્તાધિશોએ બિલ ભરવાનો આગ્રહ કરી મૃતદેહ આપવાની ના પાડતાં સગાઓએ ભારે હંગામો મચાવ્યો હતો. આ બનાવને પગલે પૂર્વ કાઉન્સિલર નિતિન પટેલ દોડી આવ્યા હતાં. અને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને કોરોનાના બહાને લૂંટ ચલાવતાં હોસ્પિટલના સંચાલકો સામે ભારે હંગામો મચાવ્યો હતો.

શહેરના લાલ કોર્ટ પાછળ આવેલ જૂના કાછીયાવાડ કબીર મંદિર પાસે રહેતાં અને મોટી શાકમાર્કેટમાં શાકભાજીનો ધંધો કરતાં ૬૨ વર્ષિય સુરેશભાઇ મિત્રી કોરોનાના લક્ષણો સાથે વારસિયા જલારામ પ્રેમદાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેતે વખતે સંચાલકો તથા ફરજપરના સ્ટાફ કર્મચારીઓએ દર્દીના સગા પાસે પ્રથમ રૂા.૧.૫૦ લાખ ભરાવ્યા હતાં. ત્યાર બાદ જ તબીબોએ કોરોનાની સારવાર હાથ ધરી હતી. દરમિયાન દર્દીનું મૃત્યું થયું હતું. મૃત્યું બાદ હોસ્પિટલના સંચાલક તથા સ્ટાફ કર્મચારીઓ તથા તબીબે કુલ રૂા.૪.૫૦ લાખનું મસ મોટુ બીલ ફટકાર્યું હતું. અને બળજબરી પૂર્વક નાણા ભરાવી દર્દીના સગાઓના પાસેથી રૂાપિયા ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં તબીબે બીલ નહીં ભરો તો મૃતદેહ બતાવવામાં કે આપવામાં નહીં આવે તેવી ચમીકી ઉચ્ચારી હતી. જેના લીધે મૃતકના પરિવારોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો.આ બનાવની જાણ પૂર્વ કાઉન્સિલર નિતિન પટેલને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં અને કોરોનાની સારવારની ગાઇડલાઇન બતાવી હતી. જેથી હોસ્પિટલનો સ્ટાફ નરમ પડ્યો હતો અને મામુલી રકમ ઓછી કરી બાકીના નાણા ભરાવી મામલો થાળે પાડ્યો હતો.