દિલ્હી-

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના રિટેલ સાહસ રિલાયન્સ રિટેલના હિસ્સાનું વેચાણ કરીને ભંડોળ એકત્રિકરણના લક્ષ્યાંકને પાર પાડવામાં પ્રત્યનશીલ છે. કંપનીએ સિંગાપોરના સોવરીન વેલ્થ ફંડ જીઆઈસી અને ગ્લોબલ ખાનગી ઈક્વિટી કંપની ટીપીજી કેપિટલને રિલાયન્સ રિટેલનો હિસ્સો વેચીને રૂ.7,350 કરોડ એકત્ર કર્યા હોવાનું કંપનીએ જણાવ્યું છે. આ સાથે જ વિતેલા એક માસમાં રિલાયન્સ રિટેલના હિસ્સાનું વેચાણ કરીને કંપનીએ રૂ32,197.50 કરોડ ઊભા કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જીઆઈસીએ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 1.22 ટકા હિસ્સો રૂ. 5,512 કરોડમાં લીધો છે જ્યારે ટીપીજીએ 0.41 ટકા હિસ્સો રૂ. 1837.5 કરોડમાં લીધો હોવાનું કંપનીએ એક નિવેદમાં જણાવ્યું હતું. આ રોકાણ સાથે જ રિલાયન્સ રિટેલની પ્રિ-મની ઈક્વિટી વેલ્યુ રૂ. 4.285 લાખ કરોડ થયું હતું. ટીપીજી અને જીઆઈસીએ કરેલું રોકાણ જરૂરી નિયમન મંજૂરીને આધિન રહેશે.

ટીજીપી દ્વારા રિલાયન્સની બીજી પેટા કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું છે. અગાઉ કંપનીએ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રૂ. 4,546.5 કરોડનું રોકાણ કર્યું હતું. 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં રિલાયન્સ રિટેલે 7.28 ટકા હિસ્સો વેચીને કુલ રૂ.32,197.50 કરોડ એકત્ર કર્યા છે.

યુએસની ખાનગી ઈક્વિટી કંપની સિલ્વર લેક્સે બે સોદામાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સમા 2.13 ટકા હિસ્સો રૂ. 9,375 કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત જનરલ એટલાન્ટિકે 0.84 ટકા હિસ્સો રૂ. 3.675 કરોડમાં અને કેકેઆરે 1.28 ટકા હિસ્સો રૂ. 5,550 કરોડમાં ખરીદ્યો હતો. અબુ ધાબી સ્થિત સોવરીન વેલ્થ ફંડ મુબાડલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ 1.4 ટકા હિસ્સો રૂ. 6,247.5 કરોડનું રોકાણ કર્યું હતું.