નવી દિલ્હી

આધારને બંધારણીય માન્યતા આપતા ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના ચુકાદાની સમીક્ષા કરવાની માગ કરતી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આધાર નંબરને બંધારણીય માન્યતા આપી હતી પણ બેંક ખાતા, મોબાઇલ ફોન અને શાળામાં પ્રવેશ માટે આધારને ફરજિયાત બનાવવાની કેન્દ્રની જોગવાઇ રદ કરી હતી. 

ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકરના નેતૃત્ત્વવાળી પાંચ સભ્યોની બનેલી ખંડપીઠે સુપ્રીમ કોર્ટના ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના ચુકાદાની સમીક્ષાની માગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. પાંચમાંથી ચાર જજ અરજીઓ ફગાવવાના નિર્ણયના સમર્થનમાં હતાં જ્યારે એક જજ અરજી ફગાવવાના વિરુદ્ધમાં હતાં. અરજી ફગાવવાનો વિરોધ કરનારા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આ અંગેના બિલને મની બિલ ગણવો કે નહીં તે અંગે લાર્જર બેન્ચ ચુકાદો ન આપે ત્યાં સુધી સમીક્ષા અરજીઓ પેન્ડિંગ રાખવી જોઇએ. 

ઉલ્લેખનીય છે કે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે ૨૦૧૮માં એક ચુકાદામાં જણાવ્યું હતું કે આધાર એક્ટને મની બિલ તરીકે પાસ ન કરવું જોઇએ કારણકે તે બંધારણની દ્રષ્ટિએ અયોગ્ય છે. અરજકર્તાઓએ પોતાની અરજીમાં આધાર એક્ટની જોગવાઇઓને પડકારી હતી.

પાંચ જજોની બેન્ચમાં ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ ઉપરાંત ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ બી આર ગવાઇ સામેલ હતાં. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે એક અન્ય અલગ આદેશમાં જણાવ્યું હતું કે ચાર જજોના ચુકાદા સાથે સંમત થવાની મારી અસમર્થતા બદલ હું ખેદ વ્યક્ત કરુ છું.