વડોદરા, તા.૮ 

વડોદરા શહેરના કલાદર્શન ચાર રસ્તા નજીક આવેલ મહાવીર હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલ ડાકોરના મૂળ વતની અને હાલ તાજેતરમાં હરણી રોડ પર ભાડે રહેવા આવેલ બેન્કના મહિના કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ અલગ અલગ શંકા ઉપજાવે તેવો આપવામાં આવતાં દર્દીના સગાંઓએ હોસ્પિટલના તબીબો વિરુદ્ધ રોષ વ્યક્ત કરી હોસ્પિટલમાંથી દર્દીને રજા આપવાની માગણી કરી હતી. પરંતુ હોસ્પિટલના જવાબદાર તબીબે ડિસ્ચાર્જ આપવાની ના પાડતાં પાણીગેટ પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો.

આ સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ડાકોરના રહેવાસી અને તાજેતરમાં હરણી રોડ પર રહેવા આવેલા ૬૩ વર્ષીય બેન્ક મહિલા કર્મચારીને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં તેઓને કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ મહાવીર હોસ્પિટલની સંલગ્ન કોવિડ-૧૯ની દર્ભાવતી હોસ્પિટલમાં સારવાર માટે તેમના ભાઈ દિનેશભાઈ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ હેમલતાબેન રાજેશભાઈ શાહને દાખલ કર્યાં હતાં અને કોરોનાના રિપોર્ટની પ્રક્રિયા હાથ ધરી હતી. તેમનો પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ રિપોર્ટમાં દર્દીનું નામ અલગ લખેલું હતું. બીજાે રિપોટ તા.૧ના રોજ કરાવતાં તે નેગેટિવ આવ્યો હતો, પરંતુ દર્દીની ઉંમર અલગ લખેલ હતી. ત્રીજાે રિપોર્ટ કરાવતાં તેમાં શ્રીજી હોસ્પિટલનું નામ લખીને આવ્યું હતું. અલબત્ત, દર્દીના ત્રણ-ત્રણવાર રિપોર્ટ કરાવ્યા હોવા છતાં ત્રણેય રિપોર્ટ શંકા ઉપજાવે તેવા આવ્યા હતા, જેથી દર્દીનના સગાંઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. બીજી તરફ તબીબોએ મહિલા દર્દીની કોરોનાની સારવાર હાથ ધરી હતી.

આ કોવિડ-૧૯ હોસ્પિટલમાં અસુવિધાની ભરમાળ જાેવા મળતાં મહિલા દર્દીના સગાંઓએ હોસ્પિટલમાંથી રજાની માગણી કરી હતી. પરંતુ તબીબો દ્વારા દર્દીને રજા આપવામાં ઠાગાંઠૈયાં કરતાં સગાંઓએ તબીબો અને હોસ્પિટલના સંચાલકો સામે રોષની લાગણી વ્યક્ત કરી ભારે હંગામો મચાવ્યો હતો. જેના કારણે હોસ્પિટલના સંચાલકોએ પોલીસને બોલાવી હતી. પાણીગેટની પીસીઆર વાન આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની હકીકત જાણી મામલો થાળે પાડયો હતો.