વડોદરા, તા.૨૭

શહેરના ફતેગંજ પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતારાયેલા શેખ બાબુના ચકચારી પ્રકરણમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને ભોગ બનેલા પરિવારજનોએ રજૂઆત કરી છે. હાઈકોર્ટના આદેશથી આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી હતી. જેની સેવા ભેદી રીતે અચાનક બંધ કરી દેવાતા પરિવારે રજૂઆત બાદ વડીઅદાલતમાં અવમાનનાનો કેસ દાખલ કરશે.

શેખ બાબુની હત્યાના આરોપી પીઆઈ ડી.બી.ગોહિલ, પીએસઆઈ રબારી સહિત ૬ પોલીસ કર્મચારીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે આરોપી પોલીસ કર્મચારીઓ હોવાથી પોલીસ તપાસમાં સહકાર નહીં આપતા હોવાની રજૂઆત અદાલતમાં થઈ હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં પૂછપરછમાં આરોપીઓ સહકાર નહીં આપતા હોવાનું જણાવ્યું હતું અને તેથી જ આજદિન સુધી શેખ બાબુનો મૃતદેહ શોધી શકાયો નથી. જેના પગલે વડીઅદાલતે કેસની ગંભીરતા જાેતાં અને આરોપી છૂટી જશે એવી શક્યતાને પગલે આ મામલામાં ખાસ સરકારી વકીલની નિમણૂકનો આદેશ કર્યો હતો. જેથી કાયદા વિભાગે એનો અમલ કરી ભરૂચના જાણીતા વકીલની નિમણૂક કરી હતી.

પરંતુ અચાનક કાયદા વિભાગે ભેદી રીતે ભરૂચના ખાસ સરકારી વકીલની સેવા શેખ બાબુના મામલામાં સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે શેખ બાબુના પરિવારજનો ચોંકી ઊઠયા હતા અને આરોપીઓને જામીન મળી જાય એવી ગોઠવણના ભાગરૂપે આવું કરાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ અંગે નિષ્ણાત વકીલોની સલાહ લઈ હત્યા કરી દેવાયેલા શેખ બાબુના પુત્રે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી ખાસ સરકારી વકીલની સેવા અચાનક કેમ પાછી ખેંચાઈ એવો સવાલો ઉપસ્થિત કરી સેવા પુનઃ શરૂ કરવા માગ કરી છે. તેમ છતાં સરકારના કાયદા વિભાગ દ્વારા જાે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં જઈ કન્ટેમ્પ ઓફ ધ કોર્ટની અરજી દાખલ કરવાનું નક્કી કર્યું છે.