વડગામ,તા.૨૯ 

પાલનપુરમાં કલેકટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ અને સખી વન સ્ટોપ અંગેની બેઠક યોજાઇ હતી. સમાજમાં દિકરા-દિકરીઓ વચ્ચે ઉભા થઇ રહેલા અસંતુલનને રોકવા માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી છે. જાતિ આધારીત લિંગ પરિક્ષણ અટકાવવું, દિકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્વિત કરવી તથા દિકરીઓના શિક્ષણ અને તેમને વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા સહિતના ઉદ્દેશ્યો સાથે આ યોજના અમલી બનાવાઇ છે. બેઠકમાં કલેકટર સંદીપ સાગલેએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, મહિલાઓના સર્વાગી વિકાસ માટે આપણે સૌ સમર્પણભાવથી કામગીરી કરીએ. તેમણે સખી વન સ્ટોપ સેન્ટર, નારી સંરક્ષણ કેન્દ્રમાં આપવામાં આવતી સુવિધાઓમાં વધારો કરવા તથા બહેનોને વિવિધ કૌશલ્યવર્ધન તાલીમોથી સજ્જ કરી તેઓ આત્મસન્માન સાથે પોતાનું જીવન જીવે તેના પર ભાર મુક્યો હતો.