રાજકોટ, રાજકોટમાં વીર સાવરકર આવાસ યોજનામાં પાણીની પારાયણ શરુ થઈ ગયા છે. રોષે ભરાયને આવાસ યોજનાના પાર્કિંગમાં મહિલાઓએ હોબાળો મચાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉનાળો આવતા જ પાણીની બૂમો ઉઠવી રાજકોટ માટે જાણે સામાન્ય વાત છે. રાજકોટમાં પહેલેથી જ ઉનાળામાં પાણીની અછત સર્જાવાના એંધાણ હતા. પરંતુ રાજકોટમાં રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલા વીર સાવરકર આવાસ યોજનામાં ૧૦૦૦ આવાસમાં માત્ર ૪ જ ટેન્કર દરરોજ આપવામાં આવે છે. આવાસ યોજનાના રહીશોને છેલ્લા ઘણાં સમયથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે.

જેના કારણે રહીશોને રોજીંદા કામોમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી મહિલાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. આ અંગે સ્થાનિક જાગૃતિબેન પંડ્યા નામની મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૭ વર્ષથી વીર સાવરકર આવાસ યોજનામાં પાણી નિયમિત આવતું નથી જયારે જવાબદાર અધિકારીઓ ઉડાઉ જવાબ આપી સમસ્યાનું સમાધાન ન લાવતા નથી. આમાં આમારે ક્યાં જવું ? કોને ફરિયાદ કરવી. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ૩૦ એપ્રિલના રોજ ૧૪૨૬ ઘરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા ૧૬ કિસ્સાઓ મળ્યા હતા. ૧૧ શખસોને નોટિસ અને ૬ શખસની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી.