06, જુલાઈ 2020
વડોદરા,તા.૫
દોઢ વર્ષ અગાઉ સમાવવામાં આવેલ છ ગામોમાં બાપોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.તેમ છતાં આમાં સમાવિષ્ઠ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પાણી કે ડ્રેનેજની સુવિધાઓ વિના વેરા બિલ ફટકારવામાં આવતા રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.જેના ભાગરૂપે આજે બાપોદના તક્ષ ગેલેક્ષીના રહીશો દ્વારા વેરા બિલની હોળી કરીને પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.તેમજ તમામે જ્યાં સુધી સુવિધાઓ આપવામાં આવશે નહિ ત્યાં સુધી કોઈપણ પ્રકારના વેરા ભરવામાં આવશે નહિ એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી.આ ઉપરાંત જરૂર પડે આ વેરા બીલોના મામલે પાલિકાના તંત્ર સામે અદાલતના દ્વારા ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.તેઓએ સુવિધાઓ વિના અપાયેલા વેરા બીલો પરત ખેંચવાની પણ માગ કરી છે.તક્ષ ગેલેક્ષીના તમામ રહીશો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષના વેપારીઓ પાલિકા વિરુદ્ધમાં યોજાયેલા વેરા બીલો સામેના ઉગ્ર દેખાવોમાં જોડાયા હતા. તેમજ પાલિકાના તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશોએ વેરા બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ના ફેબ્રુઆરી માસમાં બાપોદ ગામનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.ત્યારે અમને પાણી,ડ્રેનેજ જેવી સારી સુવિધાઓ પ્રાપ્ત થશે એવી આશા હતી.પરંતુ અમારી એ આશા ઠગારી નીવડી છે. આજે પાલિકામાં અમારા વિસ્તારનો સમાવેશ કરે દોઢ વર્ષનો સમય થવા આવ્યો છે.તેમ છતાં પાણી કે ડ્રેનેજ,સફાઈ કે અન્ય કોઈપણ પ્રકારની સુવિધાઓ પાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી નથી. તેમ છતાં વેરા બીલો ફટકારાયા છે.આ માટેની આકારણી પાલિકામાં સમાવેશ કર્યા પછીથી કરવામાં આવી હતી.જેથી અમને પ્રાથમિક સુવિધાઓ મળશે એવી આશા હતી.આને કારણે આકારણીનો વિરોધ કરાયો નહોતો.પરંતુ કોઈપણ પ્રકારની સુવિધાઓ આપ્યા વિના વેરો લેવામાં આવે એ યોગ્ય નથી.આને માટે ન્યાય મેળવવા જરૂર પડે અદાલતના દ્વારા ખખડાવાશે. પાલિકા સવલતો આપે તો અમે વેરો ભરવાને માટે તૈયાર છે.એમ પણ રહીશોએ ઉમેર્યું હતું.