31, ઓક્ટોબર 2023
દાહોદ : દાહોદ નગરપાલિકાની હદ પર આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટીમાં આશરે ૩૦૦ જેટલા ઘરો આવેલા છે. અને ૧૫,૦૦૦ ઉપરાંત ની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી આ સોસાયટીના રહીશો પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નળ સે જળ યોજનાના નળ તો નખાયા કનેક્શન પણ અપાયા અને ટ્રાયલ .માટે એક વખત પાણી પણ આપ્યું હતું ત્યારબાદ તે વાતને દોઢ વર્ષ થયું પરંતુ આજદિન સુધી નળમાં પાણી નથી આવ્યું. આ સોસાયટીમાં મોટેભાગે શ્રમજીવી વર્ગ વસવાટ કરતો હોય તેઓને ટેન્કરનું પાણી પોસાય તેમ નથી. થોડા સમય અગાઉ આ સોસાયટીમાં કડાણાથી આવતા પાણી માટેના નળ કનેક્શન આપવામાં આવ્યા હતા. પરંતુ ચાર દિવસ પહેલા જ નગરપાલિકા દ્વારા તે કનેક્શનો કાપી નાખવામાં આવતા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. સમસ્યા બાબતે ગ્રામ પંચાયત, કલેકટર કચેરી, પોલીસમાં તેમજ અન્ય લાગતી વળગતી જગ્યાએ રજૂઆત કરી હતી પરંતુ તેઓને આ મામલે હજી સુધી માત્ર ખોટા દિલાસા જ આપવામાં આવ્યા છે. અને તે સમસ્યાનું નિરાકરણ આજદિન સુધી કરવામાં આવ્યું નથી . અહીં મુખ્ય વાત એ આવે છે કે આ સોસાયટી દાહોદ નગરપાલિકાની હદને અડીને આવેલી છે. અને ત્યાંથી ગલાલીયાવાડ ગ્રામ પંચાયતની હદ શરૂ થાય છે. અને આ સોસાયટીમાં રહેતા મોટા ભાગના લોકો બહારગામથી અહીં નોકરી માટે રહે છે. એટલે જ એમનું ચૂંટણી કાર્ડ પોતાના વતનનું છે એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ સોસાયટીનું મતદાન ખૂબ જ ઓછું થવાના કારણે આ સોસાયટીના કામ માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. અને ઘર ઘર પાણીનો સરકારનો દાવો અહીં પોકળ સાબિત થતો જાેવા મળી રહ્યો છે. નલસે જલ યોજના અંતર્ગત લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નળની લાઈનો તો નાખવામાં આવી છે. નળની ચકલીઓ પણ બેસાડવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી નળની ચકલીઓમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. ગત રાતે આ સોસાયટીના રહીશોએ ભેગા થઈ એક મીટીંગ રાખી હતી.