ભરૂચ, રાજ્ય સરકારે કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને તમામ શહેરોમાં આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા હતા. જેને કારણે અત્યંત જરૂરિયાત સિવાયની દુકાનો બંધ રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આખરે ૨૩ દિવસ બાદ શુક્રવારથી સરકાર દ્વારા ધંધા રોજગાર પુનઃ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા ભરૂચનાં બજારો ધમધમવા લાગ્યા હતા.

રાજ્યમાં કોરોનાની સ્થિતી સુનામીમાં પરિવર્તિત થતા સરકાર અને હાઇ કોર્ટ એક્શનમાં આવી હતી. કોરોના સામેની નબળી તૈયારીઓને પગલે હાઇ કોર્ટે રાજ્ય સરકારને અનેક વખત ફટકાર પણ લગાવી હતી. જેને લઇને રાજ્ય સરકારે એક્શનમાં આવીને કોરોના પર નિયંત્રણ મેળવવાના આશયથી આંશિક લોકડાઉન અને કોરોના કર્ફ્‌યુ સહિતના નિયમો લાદી દીધા હતા. આંશિક લોકડાઉન લાગુ કરવાને કારણે છેલ્લા ૨૩ દિવસથી અત્યંત જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ હતી. ૩ દિવસનાં સમયગાળામાં બે વખત રાજ્ય સરકારે આંશિક લોકડાઉનની અમલવારીની મર્યાદા વધારી હતી. જેને લઇને વેપારીઓમાં કચવાટ ઉભો થયો હતો. કેટલીક વખત તો મજબુરીવશ લોકોએ દુકાનનું અડધું શટર પાડીને ધંધો કરવો પડ્યો હોય તેવા તથા તેવા દુકાનદારોને તંત્ર દ્વારા દંડિત કરવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

આખરે રાજ્ય સરકારે જાહેરાત કરીને સવારે ૯ થી ૩ વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે તેવી છુટ આપી દીધી હતી. જેના પગલે વેપારીઓએ આંશિક હાશકારો અનુભવ્યો હતો. વેપારીઓની તો માંગ હતી કે, દુકાનો અગાઉની જેમ નિયમીત રીતે ચાલુ કરવા દેવામાં આવે, પરંતુ રાજ્ય સરકારે અડધા દિવસની મંજુરી આપી હતી. જાેકે ૬ કલાકની છૂટ મળતા વેપારીઓએ સરકારની ગાઈડલાઇન અનુસાર નિયમોનું પાલન કરી ધંધો વ્યવસાય કરીશે તેમ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખીય છે કે, કોરોના હજી ગયો નથી. આપણે બધા હજી પણ કોરોનાની મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા છે. પ્રથમ વેવમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા જ લોકો બેફિકર બની ગયા હતા. જેને કારણે કોરોનાની બીજી વેવમાં મુશ્કેલીઓ વધી હતી. આ ઘટના પરથી બોધપાઠ લઇને લોકોએ સરકારે આપેલી છુટમાં પણ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું તથા કોવિડ ગાઇનલાઇનનું ચુસ્ત પણે પાલન કરવું જાેઇએ. અને વેક્સીન લેવી જાેઇએ. કોરોના સામેની તકેદારી રાખવાથી જલ્દીધી તેનાથી છુટકારો મળી શકે તેમ છે.