અહિંયા નિવૃત્ત કર્મચારી પ્રકૃતિની અનોખી સેવા, ગણેશજીની માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરી વેચાણ કરે છે
07, સપ્ટેમ્બર 2021

સાબરકાંઠા-

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જયંતીભાઈ જોષીની પ્રકૃતિને અનોખી સેવા, તહેવારો પ્રકૃતિ સાથે છેડછાડ માટે નહીં પણ સંવર્ધન માટે છે. સાબરકાંઠા જિલ્લામાં હાલમાં આવનાર ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ ગણેશ ઉત્સવમા ગણપતિની માટીની મૂર્તિઓ બનાવી જયંતીભાઈ પ્રકૃતિની સેવા કરતા હોવાનું ગૌરવ અનુભવે છે. જયંતીભાઈ જોષી જિલ્લા પંચાયતના નિવૃત્તિ કર્મચારી છે. તેઓ ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી વેચાણ કરે છે. આ મૂર્તિઓ માટે તેઓ કલકત્તાથી ખાસ માટી મંગાવે છે. આ માટીની વિશેષતા એ છે કે આ મૂર્તિઓ તડકામાં સુકવતા તેમાં તીરાડ પડતી નથી અને પાણી પડતા સાથે જ ઓગળવા લાગે છે. જેથી આ મૂર્તિ નદીમાં પધરાવવામાં આવે ત્યારે તે સંપૂર્ણપણે ઓગળી જાય છે. તેથી નદીના અન્ય જીવોને કોઈ નુકસાન થતું નથી. આ મૂર્તિઓને શણગાર માટે વાપરવામાં આવતા રંગ પણ નાના બાળકોને વાપરવામાં આવતા વોટર કલરનો જ ઉપયોગ કરી શણગારવામાં આવે છે.

વધુમાં જયંતીભાઈ જણાવે છે કે, સરકાર ની ગાઈડલાઈન મુજબ ચાર ફૂટ સુધીની જ મૂર્તિઓ બનાવે છે. તેમની પાસે ૬ ઇંચથી લઈને ૪ ફૂટ સુધીની ગણપતિજીની મૂર્તિ વેચાણ માટે ઉપલબ્ધ છે.  કિંમત રૂ. ૨૦૦/- થી લઈ રૂ. ૫૦૦૦/- સુધીની હોય છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે, લોકોમાં હવે જાગૃતિ આવી રહી છે કે પ્રકૃતિને નુકશાન ન થાય તેમ તહેવારોની ઉજવણી કરવી. હવે લોકો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિઓ વધુ પસંદ કરે છે. આ મૂર્તિઓનુ વિર્સજન સરળતાથી થાય છે અને પ્રકૃતિને નુકશાન થતુ નથી.        પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ નદી કે તળાવમાં પધરાવતા તે ઓગળતી નથી અને તેના કારણે નદીઓમાં અને તળાવોમાં પ્રદૂષણ ફેલાય છે. જેથી જળચર જીવો મૃત્યુ પામે છે. સાથે પાણી દુષિત થઇ ઉપયોગ લાયક રહેતુ નથી.જ્યારે આ માટીથી બનેલી મૂર્તિઓ નદી તળાવ કે પછી ઘરે પાણી ભરેલા પાત્રમાં મુકી વિર્સજીત કરી શકાય છે. કારણ કે આ માટી ઓગળી જતાં તેને પોતાના ઘરના બગીચા કે તુલસી ક્યારામાં વાપરી શકાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution