વડોદરા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રેલમાર્ગ સાથે જાેડવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા આજે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે કરી હતી. તેમણે નિર્માણાધિન કેવડિયા સ્ટેશનની મુલાકાત લઈને જરૂરી સૂચના આપી હતી. રેલવે તંત્રએ હવે સ્ટેશનનું નિર્માણ અને ચાંદોદથી કેવડિયા વચ્ચે નવો રેલ ટ્રેક નાખવાની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

ડિસેમ્બર, ૨૦૧૮માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડોદરા-કેવડિયા રેલ લીંક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેકટ ૩૧મી ઓકટોબર, ર૦ર૦ સરદાર પટેલની જન્મજયંતી પૂર્વે કાર્યરત કરવા આયોજન હાથ ધરાયું હતું. પરંતુ હજુ સુધી ડભોઈ-ચાંદોદ વચ્ચે ૧૮ કિ.મી.ના ગેજ પરિવર્તનની કામગીરી પૂરી થઈ છે. જ્યારે ચાંદોદથી કેવડિયા ૩૨ કિ.મી.ના રૂટ પર રેલલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. હવે આ પ્રોજેક્ટને ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરવાનો દિલ્હીથી આદેશ થતાં રેલવેના અધિકારીઓ દોડતા થયા છે.

આજે પશ્ચિમ રેલવેના જીએમ આલોક કંસલ કેવડિયા સ્ટેશન અને રેલલાઈનની સમીક્ષા કરવા માટે વડોદરા દોડી આવ્યા હતા. તેમણે કેવડિયા સ્ટેશનની ચાલી રહેલી કામગીરીની સમક્ષા કરી અદ્યતન ઈકોફ્રેન્ડલી રેલવે સ્ટેશન તેમજ રેલ ટ્રેકની કામગીરી ઝડપથી પૂરી કરવાની સાથે કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. તેમની સાથે ડીઆરએમ દેવેન્દ્રકુમાર, ડે. ચીફ એન્જિનિયર કન્સ્ટ્રકશન સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજે છાયાપુરી સ્ટેશને સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરાશે

પશ્ચિમ રેલવનેા જનરલ મેનેજર આલોક કંસલ આવતીકાલે આણંદ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરશે. ત્યાર બાદ સાંજે સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે બનાવાયેલ મોડયુલર ટોઈલેટ બ્લોક, સોલાર પ્લાન્ટ, પ્રતાપનગર ખાતે આરપીએફ બેરેક, લોકોશેડ ખાતે ફિટનેસ પાર્કનું લોકાર્પણ જીએમ આલોક કંસલની ઉપસ્થિતિમાં વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવશે.