વડોદરા,તા.૧૩  

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંજયનગર આવાસ યોજનાના નામે ત્રણ વર્ષ અગાઉ અંદાજે ૧૮૫૦ જેટલા પરિવારોને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા હતા.તેમજ જ્યાં કાચા પાક મકાન હતા. ત્યાં માત્ર દોઢ વર્ષમાં મકાન બનાવી આપવામાં આવશે.એવી બાંહેધરી આપવામાં આવી હતી.આ વાતને ત્રણ ત્રણ વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી બિલ્ડર દ્વારા એક ઈટ પણ મુકવામાં આવી નથી.પાલિકા દ્વારા અપાયેલ બાંહેધરી મુજબ પ્રતિમાસ રૂપિયા બે બે હજાર લેખે ભાડાની રકમ પણ ચુકવવામાં આવી નથી.આ સંજોગોમાં સંજયનગર વિકાસ મંડળ સમિતિ દ્વારા ૧૬ લાખ સ્કવેર ફૂટ જગ્યા બિલ્ડરને પધરાવીને કરાયેલા અંદાજે બે હજાર કરોડના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને પાલિકાના તંત્ર અને શાસકો વિરુદ્‌ધ આંદોલન કરી રહ્યા છે.આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ આને ઉજાગર કરીને સમર્થન આપવામાં આવ્યું છે.આ આંદોલનના અગ્રણીઓ પ્રભુ સોલંકી અને સીમા રાઠોડ દ્વારા શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્‌ટને બુકેની સાથે બંગડીઓ આપ્યા પછીથી હવે સંજયનાગરના સ્થળેજ ચાલી રહેલા આંદોલનમાં પ્લે કાર્ડ સાથે બેસણું યોજી છાજીયા લેવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારના બેનર ઉપરાંત વિવિધ પ્રશ્નોને ઉજાગર કરતા પ્લે કાર્ડ દર્શાવાયા હતા.જેમાં રૂપિયા ૨૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરનાર કોણ?,પ્રધાનમંત્રીનું નામ ભ્રષ્ટાચારીનું કામ, રૂપિયા ૨૦૦૦ કરોડનું કામ સ્થાનિક કોર્પોરેટરો ચૂપ કેમ?,પાલિકા જાતે પ્રોજેક્ટ કરે તો રહીશો ફૂટપાથ પર સુવા તૈયાર,૩૨૫ ફૂટનો ફ્લેટ નહિ સપનાનું ઘર ૬૦૦ ફૂટનું આપો,સંસદ અને ધારાસભ્યો ચૂપ કેમ? અમારા ઘર તોડી પાલિકાને ફાયદો નથી.