સાબરકાંઠા,તા.૧  

ગુજરાતમાં વાઘ હોવાની વાતો અનેકવાર સામે આવી છે. મહીસાગર જિલ્લામાં વાઘ દેખાયાની પુષ્ટિ પણ થઈ છે. પરંતુ હવે સાબરકાંઠામાં વાઘ દેખાયાની ચર્ચા થઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના હુંજ ગામમાં પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો બોગસ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા વન વિભાગની પ્રતિક્રિયા સામે આવી છે. વનવિભાગે આ ઘટનાને અફવા ગણાવી છે. સાબરકાંઠાના હુંજ વિસ્તારનો હોવાનો દાવો કરતા આ વીડિયોની વન વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ કરાઈ નથી. લોકોને ભયમાં મૂકવા માટે વીડિયો બોગસ બનાવી વાયરલ કરનાર સામે પણ તપાસ હાથ ધરાશે. ગુજરાતમાં અગાઉ પણ વાઘ દેખાયાની ચર્ચા ચાલી છે. જોકે, મહીસાગર જિલ્લામાં વાઘ હોવાનું સત્ય પણ સામે આવ્યું છે. પરંતુ મહીસાગર જિલ્લામાં મધ્યપ્રદેશથી આવેલો વાઘ લાંબો સમય જીવી શક્યો ન હતો. બાદમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો.

ગુજરાત માટે આ ગર્વની બાબત બની હતી. એકસાથે ત્રણ હિંસક પ્રાણી વાઘ, સિંહ અને દીપડો રાજ્યમાં હોવાની વાત ગુજરાત માટે ગૌરવપ્રદ છે. જોકે, હવે સાબરકાંઠામાં વાઘ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, આ વીડિયોને કોઈ તથ્ય નથી તેવું વન વિભાગનું કહેવું છે. સાબરકાંઠામાં વાઘનો જે વીડિયો સામે આવ્યો છે, તે સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારનો હોવાનું કહેવાય છે. મેસેજમાં એવુ પણ કહેવાયુ છે કે, આ વાઘ નહિ, પણ વાઘણ છે. વાઘણની સાથે એક બચ્ચું પણ જોવા મળ્યું છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, પંચમહાલ જિલ્લામાં જે વાઘ દેખાયો હતો તેની માદા છૂટી પડીને સાબરકાંઠામાં આવી પહોંચી છે. જોકે, આ વાતને કેટલું તથ્ય છે તો રામજાણે. પરંતુ વનવિભાગ વીડિયો સાચો હોવાની પુષ્ટિ નથી કરી રહ્યું.