નવી દિલ્હી

ભારતમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વચ્ચે રશિયાથી મેડિકલ જરૂરિયાતોની પહેલી ખેપ ગુરૂવારે ભારત પહોંચી ગઈ છે. રશિયાએ ભારતને મોકલેલી પહેલી ખેપમાં 20 ઓક્સિજન કોન્સનટેટર, 75 વેન્ટિલેટર, 150 બેડસાઇટ મોનિટર  અને દવાઓ સામેલ છે. રશિયાથી બે ફ્લાઇટ આ તમામ મદદ લઈને વહેલી સવારે દિલ્હી પહોંચી. આ સંબંધમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ એ કહ્યું કે એર કાર્ગો અને દિલ્હી કસ્ટમ્સ બંને પ્લેનોમાં આવેલી વસ્તુઓનું ઝડપથી ક્લિયરન્સ કરી રહી છે.


ઉલ્લેખનીય છે કે, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્સમબર્ગ, સિંગાપુર, પોર્ટુગલ, સ્વીડન, ન્યૂઝીલેન્ડ, કુવૈત અને મોરિશિયસ સહિત અનેક દેશોએ ભારતને મહામારી સામે લડવામાં મદદ કરવા માટે મેડિકલ સહાયતાની ઘોષણા કરી છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને કોવિડ-19ના કારણે ઊભી થયેલી પરસ્થિતિ પર ચર્ચા કરી. વડાપ્રધાને ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે આજે મારી વાતચીત થઈ. અમે કોવિડ-19થી ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી અને તેની વિરુદ્ધ લડાઈમાં રશિયા તરફથી આપવામાં આવી રહેલી મદદ અને સહયોગ માટે હું રાષ્ટ્રપ્રમુખ પુતિનનો આભાર માન્યો.