મોસ્કો-

પૂર્વી લદ્દાખમાં ગલવાન ખીણમાં 15 જૂને થયેલા લોહિયાળ સંઘર્ષમાં કેટલા ચીની સૈનિકો માર્યા ગયા હતાં તેને લઈને રશિયાની સમાચાર એજન્સી તાસે સનસની ખુલાસો કર્યો છે. તાસે જણાવ્યું હતું કે, આ હિંસામાં ઓછામાં ઓછા ૪૫ ચીની સૈનિકો માર્યા ગયા હતાં. આ હિંસામાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં. રશિયાની સમાચાર એજન્સીના આ દાવા બાદ અત્યાર સુધી પોતાના કેટલા સૈનિકો માર્યા ગયા મુદ્દે ભેદી મૌન સેવનારા ચીનની આબરૂના દુનિયા આખીમાં ધજાગરા થયા છે.

રશિયાની સમાચાર એજન્સીનો આ ખુલાસો પણ બરાબર એવા જ સમયે થયો છે જ્યારે બંને દેશોની સેના પેંગોગ લેક પરથી પોતાના સૈનિકોને પાછા ખસેડવા સહમત થઈ છે. લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા 9 મહિનાથી સામ સામે છે. બંને દેશોએ સરહદે લગભગ 50-50 હજાર જવાનો ખડક્યા છે. અગાઉ ચીને ભારત સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં તેના 5 જવાનો માર્યા ગયા હતાં. તેમાં ચીની સેનાનો એક કમાંડિંગ ઓફિસર પર શામેલ હતો. ચીન ભલે હાલ ૫ જ સૈનિકો માર્યા ગયાની વાત કરી રહ્યું હોય પણ અમેરિકા અને ભારતની ગુપ્તચર એજન્સીઓનું અનુંમાન છે કે ચીનના ઓછામાં ઓછા 40 જેટલા ચીની સેનિકો આ અથડામણમાં માર્યા ગયા હતાં.

રશિયાની સમાચાર એજન્સી તાસનો ખુલાસો પણ કંઈક આ તરફ જ ઈશારો કરે છે. હાલ પૂર્વી લદ્દાખના ડેપસાંગ, પેંગોગ લેકના નોર્થ અને સાઉથ બેંક, પેટ્રોલિંગ પોઈન્ટ 17, રેઝાંગ લા અને રેચિન લામાં બંને દેશોનું સૈન્ય સામસામે છે. ગલવાન ઘટનામાંથી પાઠ લેતા ભારતને ચીનને સ્પષ્ટ કહી દીધું હતું કે, અમારા સૈનિકો સ્વરક્ષા અને પૂર્વી લદ્દાખમાં પોતાની સરહાદોની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ભારતે સ્પષ્ટ ભાષામાં કહી દીધું હતું કે, જાે આ ક્ષેત્રમાં સ્થિતિ નિયંત્રણ બહાર જશે તો અમારા સૈનિકો ગોળીઓ ચલાવતા પણ ખચકાશે નહીં.