ગાંધીનગર

ઉદ્યોગોના કેમિકલયુક્ત કચરો અને કેમિકલયુક્ત ગંદું પાણી વર્ષોથી નદીઓમા ઠલવાય છે પરિણામે નદીઓ પ્રદૂષિત થાય છે. આ નદીઓનું પ્રદૂષિત પાણી જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં ત્યાં ખેતીની જમીનને બિન ઉપજાઉ બનાવે છે. જે લોકો આ નદીઓનું પાણી પીવે છે તેમને રોગયુક્ત બનાવે છે. ખળખળ વહેતી શુધ્ધ નીરવાળી નદીઓ ઉદ્યોગોના પ્રતાપે કેવી તેજોહીન બની જાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ દિલ્હીની યમુના નદી છે. યમુના નદીનું ધાર્મિક તેમજ પૌરાણિક દ્રષ્ટિએ આગવું મહત્ત્વ સદીઓથી રહ્યું છે.પરંતુ, હાલ આ ઉદ્યોગોને કારણે આ નદીનું અસ્તિત્વ જ જોખમાયું છે. ત્યારે, ગુજરાતમા પણ નદીઓના લેવલે આવી ભયાવહ સ્થિતિનું નિર્માણ ના થાય તે માટે ગુજરાત સરકારે સમયસર જાગી ને હવે સાબરમતી, મહી, વિશ્વામિત્રી અને ભાદર નદીને ૨૨૭૫ કરોડના ખર્ચે પ્રદૂષણમુક્ત બનાવાનો ર્નિણય લીધો છે. જે કેમિકલયુક્ત ગંદું પાણી હાલ આ નદીઓ મા ઠલવાય છે તે ગંદું પાણીમાં ટ્રિટમેન્ટ કરીને હવે સીધુ દરિયામાં જાય એ પ્રકારે આ નદીઓથી દરિયાને જોડતી પાઇપલાઇનો બિછાવાશે. આ પાઇપલાઇનો બિછાવવાનું કામ જાન્યુઆરી ૨૦૨૧થી શરુ કરાશે. આ મુદ્દે હાઇપાવર કમિટીની એક બેઠક તાજેતરમાંજ ચીફ સેક્રેટેરી અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને મળી હતી. જીપીસીબીના સભ્ય સચિવ એવી શાહની મુલાકાત લીધી ત્યારે તેઓએ જણાવ્યું કે, એકવાર કામ શરુ થાય પછી જીપીસીબી દ્વારા આ પ્રોજેકટઅંતર્ગત કેન્દ્ર સરકાર અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રખાશે.