વડોદરા, તા. ૧૯

કેશક્રેડીટ સામે તારણમાં મુકેલી સેવાસી ખાતે આવેલી ૨.૨૫ કરોડની કિંમતની જમીનને બોગસ દસ્તાવેજ બનાવીને પચાવી પાડ્યા બાદ જમીનનો કબજાે લેવા માટેની તજવીજ કરતા બેંક અધિકારી અને બેંક પાસેથી જમીન ખરીદનારને ધમકી આપનાર ભુમાફિયા ટોળકીના સુત્રધારને જિલ્લા પોલીસે ગત મોડી સાંજે ઝડપી પાડી તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

એપોલો કેમટેક લી.કંપનીના ડાયરેક્ટર પ્રજ્ઞેશ બાલકૃષ્ણ શાહે ગત ૨૦૦૨માં અકોટાની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા શાખામાં તેમની માલિકીની સેવાસી ગામની સવાત્રણ વિઘા જમીન ગીરવે મુકી ૬૫ લાખની કેશક્રેડીટ લોન લીધી હતી. લોનની ભરપાઈ નહી થતા બેંક દ્વારા હરાજીની કાર્યવાહી કરી હતી જેમાં આ જમીન ૨.૨૫ કરોડમાં ગીરીશભાઈ જયંતિભાઈ પટેલ (શોભનાગર, વાસણારોડ)એ ખરીદી હતી જેથી બેંકે જમીનનો દસ્તાવેજ કરી આપવા પ્રજ્ઞેશ શાહને જાણ કરી હતી. આ દરમિયાન જમીનના જુના ખેડુત રમેશ ડાહ્યાભાઈ પટેલ(સેવાસી) તેમજ તેના સાગરીતોએ બોગસ દસ્તાવેજાે અને બોગસ કુલમુખત્યારપત્ર બનાવી કોર્ટમાં ગણોતધારા મુજબ કેશ દાખલ કરાવીને જમીન પર બેંકના કબજાનું બોર્ડ કાઢી નાખ્યું હતું અને આ જમીન પર સંજય મહિડાનો હક્ક છે તેવું બોર્ડ લગાવી જમીનમાં ઓરડી બાંધી ગેરકાયદે કબજાે મેળવ્યો હતો અને બેંક અધિકારી તેમજ જમીન ખરીદનાર ગીરીશભાઈને ધમકીઓ આપી હતી જેથી અકોટાની યુનિયન બેંકના મેનેજર ભાનુપ્રતાપસીંગે ગત જુન માસમાં તાલુકા પોલીસ મથકમાં ઠગ ટોળકીના રમેશ ડાહ્યાભાઈ પટેલ (સેવાસી), શોભરાજ માધવસિંહ સિંધા (ગોવર્ધનપાર્ક, તાંદલજા) તેમજ આણંદમાં રહેતા સંજય જનકસિંહ મહિડા, વિક્રમ દેવાભાઈ ભરવાડ અને અન્ય અજાણ્યા ભરવાડો સામે ફરિયાદ નોંધાવતા તેની તપાસ એલસીબીને સોંપાઈ છે. આ ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો શોભરાજસિંહ સિન્ધા અને સંજય મહિડાએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતું જામીન નહી મળે તેમ લાગતા આ બંનેએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી. એલસીબીની ટીમે ભુમાફિયા ટોળકીના મુખ્ય સુત્રધાર મનાતો શોભરાજ ગઈ કાલે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.

૧૦૦થી વધુ જમીનોના પાવર ઓફ એટર્ની થયેલી છે

શોભરાજ અને સંજય મહિડા સહિતની ભુમાફિયા ટોળકીએ શહેર-જિલ્લામાં આવેલી સોનાની લગડી જેવી ૧૦૦થી વધુ જમીનના પાવર ઓફ એર્ટની મેળવ્યા હોઈ આ જમીનોમાં પણ આગામી સમયમાં દાવા દાખલ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. મળતી વિગતો મુજબ આ ભુમાફિયા ટોળકીનો ફાયનાન્સર સંજય મહિડા કેટલાક રાજકારણી અને પોલીસ અધિકારીઓ સાથે પણ ઘેરાબો ધરાવતો હોવાનું ચર્યાય છે અને તેના કારણે જ તેની ધરપકડ નથી થઈ. જાે સંજય મહિડાની ધરપકડ કરી કડક પુછપરછ થાય તો ઘણાં મોટા માથાના નામો પણ સપાટી પર આવશે તેમ મનાય છે.

શોભરાજ સિંધાને પોલીસે પીછો કરીને ઝડપી પાડ્યો

પોલીસ ધરપકડ ટાળવા માટે શોભરાજ સિંધાએ તાંદલજાથી મકાન બદલી સુભાનપુરા વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું હતું. ગઈ કાલે તે બુલેટ પર સુભાનપુરા વિસ્તારમાંથી પસાર થતો હતો તે સમયે શહેરના એક પોલીસ જવાન તેને બુલેટનંબરના આધારે ઓળખી જતાં તેણે શોભરાજનો પીછો કર્યો હતો અને શોભરાજ ફ્લેટમાં જતા તેણે એલસીબીને જાણ કરી હતી અને એલસીબીની ટીમ આવે ત્યાં સુધી તે એપાર્ટમેન્ટની બહાર વોચમાં ઉભો રહ્યો હતો.

યુસુફ કડિયા બાદ શહેરમાં ફરી ભૂમાફિયા ટોળકીનો આતંક

વડોદરા શહેર-જિલ્લામાં વર્ષો પહેલા મચ્છીપીઠ નવાબવાડાના યુસુફ કડિયા નામના ભુમાફિયાએ ખેડુતો પાસે પાવર ઓફ એટર્નીઓ મેળવ્યા બાદ તેમજ દસ્તાવેજાેમાં ચેડા કર્યા બાદ નાણાં પડાવવા માટે જમીનના કોર્ટમાં દાવા દાખલ કરી તેની માધ્યમોમાં જાહેરાતો આપીને બિલ્ડરોને ભીંસમાં લઈને હાહાકાર મચાવ્યો હતો. આ મામલો ઠેક રાજ્ય સરકાર સુધી પહોંચતા પોલીસે યુસુફ સામે વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધી કડક કાર્યવાહી કરી હતી. જાેકે યુસુફ બાદ હવે શહેર-જિલ્લામાં ફરી ભુમાફિયા ટોળકીએ માથુ ઉંચક્યું છે.

જાણકારોના જણાવ્યા બાદ શોભરાજ સિંધા અને તેના સાગરીતોએ છેલ્લા લાંબા સમયથી ખેડુતોની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવી તેઓની પાસેથી જમીનના પાવર ઓફ એટર્ની લઈ તેમજ તેની સાથે સમજુતિ કરારો કર્યા છે. આવી જમીનનો સોદો થયો હોવાની જાણ થતાં જ પાવર ઓફ એટર્નીના આધારે કોર્ટમાં દાવો દાખલ કરી તેમજ ખેડુતોને સમજુતિ કરારના આધારે ભીંસમાં લેવાની શરૂઆત કરી છે. મોંઘાભાવે જમીનો ખરીદયા બાદ તેની પર બાંધકામ શરૂ કરનાર બિલ્ડરો કોર્ટમાં દાવો દાખલ થવાના કારણે નવી સાઈટ પર ભારે નુકશાનના ભયથી ભુમાફિયાની ધમકીને વશ થઈ તેઓને ખંડણી આપીને છુટકારો મેળવવાનું વધુ મુનાસીબ માનતા હોઈ ભુમાફિયા ટોળકીને ખુલ્લો દોર મળી ગયો છે.