વડોદરા, તા. ૧૭

શહેરના ગોરવા, ગોત્રી અને સમા સહિતના વિસ્તારોમાં આવેલી કિંમતી ખાનગી જમીનોમાં ડખા ઉભા કરી તેમજ સત્તાધારી પક્ષ ભાજપાના નામે ધમકીઓ આપીને ખંડણી ઉઘરાવવાના ગુનામાં સંડોવાયેલો ભાજપાનો માથાભારે કાર્યકર સાજન ભરવાડને ૫ાસા હેઠળ જેલ ભેગો કરાયો છે.

મુળ સુરેન્દ્રનગરના લીમડી તાલુકા સ્થિત જનછાળી ગામનો વતની અને હાલમાં શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં નારાયણ ગાર્ડન પાસેના વિશ્રાંતી એસ્ટેટમાં રહેતો ૩૯ વર્ષીય સાજન વશરામભાઈ ભરવાડ સામે ખંડણી તેમજ મિલકત સંબંધે ગુના નોંધાયા હોઈ તેની ગુનાખોરીને પગલે શહેર પોલીસ કમિ.ડો.શમશેરસિંઘની સુચના મુજબ સાજન ભરવાડની ગોત્રી પોલીસે ધરપકડ કરી પાસા હેઠળ ભાવનગરની જેલમાં મોકલી આપ્યો છે. સાજન ભરવાડની પાસા હેઠળ અટકાયત થતા જ શહેરના અનેક બિલ્ડરો અને જમીન માલિકોએ શહેર પોલીસની કામગીરીને બિરદાવી છે.

સાજન ભરવાડ ભાજપાનો કાર્યકર છે તેમજ તેના શહેરના ભાજપા અગ્રણીઓ અને નેતાઓ સાથે પણ ઘેરાબો છે છતાં તેની પાસા હેઠળ કેવી રીતે અટકાયત થઈ તે સંદર્ભે આજે શહેરના રાજકિય બેડામાં તેમજ બિલ્ડર લોબીમાં એવી વાત વહેતી થઈ હતી કે સાજન ભરવાડે શરૂઆતમાં નાણાં વ્યાજે ફેરવવાના ગેરકાયદે વ્યવસાયમાં ઝંપલાવ્યા બાદ ખાનગી કિંમતી જમીનો પર ગેરકાયદે કબજાે જમાવી જમીનમાલિકોને ધાકધમકીઓ આપી ખંડણી વસુલવાની શરૂઆત કરી હતી અને ટુંકાગાળામાં જ તે જંગી મિલકતોનો આસામી બની ગયો છે. એક વાત એવી પણ ચર્ચામાં છે કે ભાજપાના નેતાઓની સેવામાં અને રાજકિય કાર્યક્રમોમાં ભગવો ખેસ ધારણ કરીને હાજર રહેતા સાજન ભરવાડે વગદાર નેતાઓને લકઝુરીયસ કાર સહિતની અન્ય સેવા પણ પુરો પાડતો હોઈ તેની પર શહેરના કેટલાક ભાજપા અગ્રણીઓના ચાર હાથ હતા અને આ અગ્રણીઓ સાથેના ફોટા પાડી તે સોશ્યલ મિડિયા પર વાયરલ કરતો હતો અને પોતાના ભાજપા અગ્રણીઓ સાથે ઘનિષ્ટ સંબંધો છે તે ફોટા બતાવીને જમીનમાલિકો અને તેની પાસેથી વ્યાજે નાણાં લેનારને ધાક ઘમકીઓ આપતો હતો.એક ચર્ચા મુજબ તેણે થોડાક સમય અગાઉ આણંદના ભાજપા અગ્રણીના સંબંધીની ગોત્રી વિસ્તારની કિંમતી જમીનમાં પણ ડખો ઉભો કરી નાણાં ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. તેની આ કરતુતોની રાજકિય અગ્રણીએ રાજ્યના ગૃહખાતામાં તેમજ શહેર પોલીસ કમિ.ને સીધી ફરિયાદ કરી હતી જેની ગંભીર નોેંધ લઈ સાજનને પાસા હેઠળ જેલભેગો કરાયો છે. પોલીસતંત્રએ તો તેની કામગીરી કરી છે પરંતું જાે કોર્પોરેશન તંત્ર પણ તપાસ કરે તો પાલિકાની માલિકીની કેટલી જગ્યા પર સાજન અને સાગરીતોએ કબજાે જમાવ્યો છે ? તેમજ એસીબી અને ઈન્કમટેક્સ વિભાગ પણ તપાસ કરશે તો સાજને ટુંકા ગાળામાં ક્યા કયાં અને કેટલી મિલકતો વસાવી છે તેની પણ ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેવો પણ જાણકારોએ મત વ્યક્ત કર્યો હતો.