વડોદરા, તા.૫  

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન શહેરના મીઠાઈ અને ફરસાણના વેપારીઓ દ્વારા હલકી ગુણવત્તાના ખાદ્યપદાર્થો મીઠાઈ અને ફરસાણનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવતું હોય છે. જેને ધ્યાનમાં લઈને દિવાળી પહેલાં જ મોટાપાયે જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઇ, ફરસાણનું વેચાણ કરતા મેન્યુફેકચરિંગ યુનિટો, મોલ, દુકાનોમાં ઇન્સ્પેકશનની કામગીરી કરવાના ભાગરૂપે આવા સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ-૪૦ મેન્યુફેકચરિંગ યુનિટો, મોલ અને દુકાનોમાં ઇન્સ્પેકશનની કામગીરી કરી કુલ-૪૩ નમૂના લેવામાં આવ્યા હતા.

 આ ઉપરાંત ૫ નવેમ્બરના રોજ ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા શહેરના હરણી રોડ, માર્કેટ ચાર રસ્તા, કુંભારવાડા, અકોટા રોડ, સરસ્વતી ચાર રસ્તા, માંજલપુર વિસ્તારના છ- ઉત્પાદન એકમો, મોલ અને દુકાનોમાંથી કાજુ અંજીર કતરી, મરચા પાઉડર, અંજીર કલાકંદ, કાજુ અંજીર રોલ, અમુલ પ્યોર ઘી, રજવાડી મુખવાસ, ભાખરવડી વગેરેના મળી કુલ-સાત નમૂના લેવામાં આવ્યા હતા, જે નમૂનાઓને પણ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે તેમજ મીઠાઇમાં બેસ્ટ બી-ફોર ડેટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.