વડોદરા શહેરની જૂની પાણીની ટાકીઓ પૈકીની એક એવી વડીવાડી પાણીની ટાકી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ રહી છે. આ પાણીની ટાકીના વિતરણના વિસ્તાર પૈકીના એક વિસ્તારમાં રહીશોને પાણી ન મળતા તેઓ વાડીવાળી પાણીની ટાકી પર ચઢીને દેખાવો કરવાને માટે ઉપર ચઢ્યા હતા.  

તે સમયે સૌની નજર આ વડીવાડી પાણીની ટાકીના અત્યંત જર્જરિત બની ગયેલા હિસ્સા પર પડી હતી. ત્યારે આ ટાકી ગમે તે ઘડીયે પડી જાય એવી ભીતિ દેખાવો કરીને માટલા ફોડનાર દેખાવકારોએ વ્યક્ત કરી હતી. પરંતુ તેમ છતાં રસ્તા,પાણી અને ડ્રેનેજના કામો પાછળ વર્ષે રૂપિયા ૩૬૦૦ કરોડના બજેટમાંથી મહત્તમ રકમ ખર્ચતા શાસકોને આવી જર્જરિત ટાકીઓને નવી બનાવવાનો વિચારતો સુજતો નથી. પરંતુ નજીવો ખર્ચ કરીને એના રીપેરીંગ કરાવવાની પણ સમજ પડતી નથી. આને કારણે પાણીદાર અને અણીશુદ્ધ વહીવટ કરવાની ડંફાસો મારનાર શાસકો કરોડોના વહીવટ છતાં પાણીની ટાકીનું નજીવું મરામતનું કામ કરવાને માટે પાણીમાં બેસી ગયા હોય એમ આમ જનતાને લાગી રહ્યું છે. ઉદ્યોગોને પાણી શુદ્ધ કરીને આપવાને માટે એક ધડાકે પીપીઓપી મોડલ સિવાય દોઢસો કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરનાર શાસકોને નાના નાના માનવીઓ અને શહેરીજનોને માથે વાડીવાળી પાણીની ટાકીને લઈને ગમેતે ઘડીયે સંકટ ઉભું થાય એની લગીરે ચિંતા હોય એમ આમ જનતાને લાગતું નથી. ત્યારે આ જર્જરિત તાકીની સમસ્યાના કાયમી ઉકેલને માટે હવે પ્રજાએ પાણી બતાવવું પડશે એમ આમ આદમીમાં ચર્ચાઈ રહ્યું છે.