બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલનું ૮ મહિનામાં જ રાજીનામું! 
31, ઓક્ટોબર 2023

વડોદરા , તા.૩૧

વડા પ્રધાન મોદીના વડોદરા એરપોર્ટ પર આગમન ટાણે જ વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મહત્વની એવી બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલ (નિશાળીયા)એ રાજીનામું આપતા જિલ્લાના સહકારી ક્ષેત્રે ચકચાર મચી હતી. તેમણે જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી હોવાના કારણે એક વ્યક્તિ એક હોદ્દાને લઈ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. હવે બરોડા ડેરીના નવા પ્રમુખ કોણ બનશે? તેની અટકળો શરૂ થઈ છે. જ્યાં સુધી નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી ઉપપ્રમુખ જી.બી. સોલંકી કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે.

બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ સતીષ પટેલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-૦૨૩ના રોજ પ્રદેશ ભાજપા દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તે બાદ માર્ચ-૦૨૩માં અને જુલાઇ-૦૨૩માં પણ બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષ દ્વારા બરોડા ડેરીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દો તેમ જવાબદારી નક્કી છે. મને સૂચન કરવામાં આવ્યું કે, આપ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અથવા તો બરોડા ડેરીના પ્રમુખમાંથી કોઇ એક પર પસંદગી કરો. હું ૧૯૯૪ - ૯૫ સુધી કરજણ તાલુકાના યુવા મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી અને ત્યાર બાદ વિવિધ જવાબદારી નિભાવી છે. ૧૮ વર્ષ સુધી સંગઠનમાં કામ કર્યું છે. ત્યારે હું રાજીખુશીથી બરોડા ડેરીમાંથી પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. અને આગામી લોકસભાની ચૂંટણીમાં પૂરોપૂરો સમય આપવા માગંુ છું. બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલે રાજીનામું આપી દેતા હવે બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ જી.બી. સોલંકી જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે કોણ આવશે તે જાેવાનું રહ્યંુ.

એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ નિશાળીયાને હજી રાજીનામા અપાવશે

પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપા પ્રમુખની સાથે સતીષ પટેલ ( નિશાળીયા ) ને બરોડા ડેરીના ચેરમેન તરીકેની જવાબદારી આપવામાં આવી હતી.જાેકે, સતીષ પટેલ બરોડા ડેરીની સાથે ગંધાર શુગર માં પણ હોદેદાર છે.ત્યારે એક વ્યક્તી એક હોદ્દાના ભાજપા દ્વારા નક્કી કરાયેલા નિયમમાં બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામા બાદ આ નિયમમા તેમને હજી રાજીનામાં અપાવશે તેવી ચર્ચા જિલ્લા ભાજપામાં થઈ રહી છે.

મામા સુરત ગયા અને નિશાળીયાની વિકેટ પડી?

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં અપક્ષ ઉમેદવારી કરનાર દિનુમામાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ થોડા સમય પૂર્વે જ દિનુમામા ફરી તેમનાં સમર્થકો સાથે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપામાં જાેડાયા હતા. દિનુમામાને હવે કઈ જવાબદારી સોંપવામાં આવશે એવી અટકળો ચાલી રહી હતી, તે દરમિયાન મામા સુરત ગયા અને અહીં સતીષ નિશાળીયાએ બરોડા ડેરીના ચેરમેનપદેથી રાજીનામું આપ્યંુ હતું.

યુએસથી આવીને રાજીનામું આપવાની વાત સાચી પડી

જિલ્લા ભાજપા પ્રમુખ અને બરોડા ડેરીના ચેરમેન સતીષ પટેલ અમેરિકા ગયા હતા. જાેકે, ત્રણ મહિના પૂર્વે જ એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ હેઠળ કોઈ એક પદ પરથી તેમને રાજીનામંુ આપવું પડશે તેવી અટકળો ચોલી રહી હતી. આ અટકળો વચ્ચે તેઓ વિદેશથી પરત આવ્યા બાદ બરોડા ડેરીના ચેરમેનપદેથી રાજીનામું આપશે, તેવી વાત આખરે સાચી પડી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution