વડોદરા, તા.૧૧

સાવલી પોલીસે તાજેતરમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી કારને ઝડપી પાડી હતી. આ કારને તેના માલિકે ગીરવે મુકી હોવાની વિગતો મળવા છતાં પોલીસે કારના મુળમાલિકને બોલાવીને તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેની સામે કેસની પતાવટ માટે રૂા.૩૫ હજારની માગણી કરી હતી. દરમિયાન સાવલી પીએસઆઈ દ્વારા લાંચ માંગી હોવાની એસીબીને જાણ કરાતા લાંચિયા પીએસઆઈને એસીબીએ ૨૦ હજારની લાંચ લેતા રંગે ઝડપી પાડ્યો હતો.

જિલ્લામાં રહેતા અને વ્યવસાયે મિકેનીક જયેશભાઈ જયંતિભાઈ મિસ્ત્રીએ પાંચેક વર્ષ અગાઉ તેમના ભાઈ ભાવિનકુમાર મણીભાઈ સુથારના નામે સિલ્વર રંગની એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. ત્યારબાદ આ કારને સ્ટેમ્પપેપર ઉપર લખાણ કરી નોટરી કરી તે જયેશભાઈએ પોતાના નમે કરાવી હતી. ગત ૨૦૧૯માં જયેશભાઈને નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેમણે તેમની સેકન્ડહેન્ડ કાર તેમના મિત્ર પવન પંડિત પાસે ૧.૨૦ લાખમાં ગીરવે મુકી હતી. જાેકે ગીરવે મુકેલી કારના નાણાં તે પરત નહી આપી શકતાં પવન પંડિતે ઉક્ત કાર આણંદના લોટિયા ભાગોળમાં રહેતા સંજયને ગીરવે આપી હતી.

દરમિયાન તાજેતરમાં આ કાર સાવલી ખાતે દારૂબંધીના ગુનામાં ઝડપાતા સાવલી પોલીસે નશાબંધીનો ગુનો દાખલ કરી તપાસ કરી હતી. કારના મુળમાલિક તરીકે જયેશભાઈનું નામ ચાલતું હોઈ સાવલી પોલીસે જયેશભાઈની ગત ૫મી ઓગસ્ટે અટકાયત કરી હતી. જયેશભાઈના મિત્ર ગૌારાંગગીરી ગોસ્વામીએ આ કેસની તપાસ કરતા સાવલી પોલીસ મથકના પીએસઆઈ ડી.એમ.વાંસદિયા સાથે વાત કરતા તેમણે કેસની પતાવટ કરવા માટે ૩૫ હજારની લાંચની માગમી કરી હતી. જાેકે જયેશભાઈ લાંચ આપવા માંગતા ન હોઈ તેમણે આ અંગેની અત્રેની એસીબી કચેરીમાં ફરિયાદ કરી હતી જેના પગલે એસીબીના મદદનીશ નિયામક પરેશ ભેસાણિયાના સુપરવિઝન હેઠળ પીઆઈ એમ.કે.સ્વામી સહિતના સ્ટાફે આજે છટકું ગોઠવ્યું હતું.

છટકા મુજબ જયેશભાઈ મિસ્ત્રી આજે બપોરે તેમના મિત્ર રાહુલ રમેશભાઈ સુથાર સાથે સાવલી પોલીસ મથકમાં ગયા હતા જયાં પોલીસ મથકમાં હાજર પીએસઆઈ વાંસદિયાએ તેમની બાજુમાં આવેલા કોમ્પ્યુટરના છેલ્લાં ડ્રોઅરમાં ૨૦ હજાર રોકડાં રાહુલ સુથાર પાસે મુકાવી લાંચ સ્વીકારતા જ ત્યાં હાજર એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. સાવલીના પીએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયાની જાણ થતાં જ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર જાગી હતી.

પીએસઆઈ વાંસદિયાના ક્વાટર્સમાં સર્ચ ઓપરેશન

આજે બપોરે લાંચ લેતા ઝડપાયેલા સાવલી પોલીસ મથકના પીએસઆઈ ડી.એમ.વાંસદિયા મુળ સુરતના માંગરોળ તાલુકા સ્થિત સાવા ગામના વતની છે અને તે હાલમાં સાવલીમાં સીપીઆઈ ક્વાટર્સની બાજુમાં આવેલા પીએસઆઈ ક્વાર્ટસમાં રહેતા હતા. એક વર્ષથી સાવલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ વાંસદિયાને એસીબીએ ઝડપી પાડ્યા બાદ સીધા વડોદરા ખાતે લવાયા હતા અને જરૂરી કાર્યવાહી બાદ એસીબીની ટીમે તેમના ક્વાટર્સમાં પણ મોડીરાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ પરંતુ ત્યાંથી કોઈ વાંધાજનક ચીજ મળી ન હતી.