દિલ્હી-

ત્રણેય કૃષિકાયદાના વિરોધમાં દિલ્હી અને પડોશી રાજ્યોની સરહદ પર 36 ડિસેમ્બરથી ખેડૂતો ધરણાં પર બેઠા છે. તેમના પ્રદર્શન પર વિરોધ વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં ખેડૂતોને તત્કાલ હઠાવવાની માગ કરવામાં આવી છે.ખેડૂત આંદોલનનો આજે 21મો દિવસ છે ત્યારે ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેંચે આજે આંદોલન મુદ્દે થયેલ અરજીના સંદર્ભમાં સુનાવણી દરમિયાન ખેડૂત સંગઠનો, રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી અને આ આંદોલનનો ઝડપથી ઉકેલ લાવવા માટે સરકારને આદેશ કર્યો હતો.

કોર્ટે કહ્યું છે કે તેઓ ખેડૂત સંગઠનોની વાત સાંભળશે, અને સરકારને પણ પૂછ્યું હતું કે, હજી સુધી સમજૂતી કેમ થઈ નથી. હવે કોર્ટ વતી ખેડૂત સંગઠનોને નોટિસ આપવામાં આવી છે, કોર્ટનું કહેવું છે કે આવા મુદ્દાઓનું વહેલી તકે સમાધાન કરવામાં આવે. કોર્ટે સરકાર અને ખેડુતોના પ્રતિનિધિઓની કમિટી બનાવવાનું કહ્યું છે, જેથી બંને એકબીજાને આ મુદ્દે ચર્ચા કરી શકે. આ સાથે કોર્ટે પંજાબ, હરિયાણા અને કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી છે.

જોકે, આ બધા વચ્ચે પંજાબનાં જેટલાં પણ ખેડૂત યુનિયનો છે, તેઓ કૃષિકાયદા રદ કરવા સિવાયની કોઈ વાત માનવા તૈયાર નથી. તેમણે કહ્યું છે કે વાતચીત શરૂ થાય એ પહેલાં ત્રણ વાત સ્પષ્ટ થવી જોઈએ. પહેલી વાત એ કે વાતચીત જૂના પ્રસ્તાવો પર થઈ શકે નહીં, કેમ કે એ પ્રસ્તાવોને પહેલાંથી જ ખારિજ કરી દેવાયા છે. બીજી શરત એ કે સરકાર નવો ઍજેન્ડા રજૂ કરે અને ત્રીજ શરત એ કે વાતચીત કાયદાઓ રદ કરવા પર કેન્દ્રીત હોવી જોઈએ. આંદલનકારી ખેડૂતનેતાઓનું કહેવું છે કે જો સરકાર આ વાતો પર વિચાર કરવા તૈયાર થાય તો વાતચીત શરૂ થઈ શકે એમ છે. 

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતીના સચિવ અવિક સાહાએ સોમવારે કહ્યું, "સરકાર સતત જૂના પ્રસ્તાવો થકી છેતરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ પ્રસ્તાવોને પહેલાંથી જ નકારી ચૂક્યા છીએ." "જો સરકાર ત્રણેય કૃષિકાયદાઓ અને ઇલેક્ટ્રિસિટી બિલ 2020ને પરત લેવા માટે તૈયાર છે, તો અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ." આ દરમિયાન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે પાંચ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ સાથે તેમણે મુલાકાત કરી છે અને પ્રતિનિધિઓએ કૃષિકાયદાનું સમર્થન કર્યું છે. કૃષિમંત્રીનું એવું પણ કહેવું છે કે વાતચીત ફરીથી શરૂ થશે કેમ કે તેમની સરકાર ખેડૂતોના મુદ્દાઓને લઈને ગંભીર છે.