રાજ્યમાં કોરોનાની વણસતી હાલતને પગલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
12, એપ્રીલ 2021

અમદાવાદ-

રાજ્યમાં વણસતી જતી કોરોનાની હાલતને પગલે હવે હાઈકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, સ્થિતી જે રીતે વણસી રહી છે એ જોતાં હવે રાજ્ય સરકાર સક્રિય થાય અને પગલાં લે એ જરૂરી છે. ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. હવે કોરોના નવા દર્દીઓનો આંકડો સરેરાશ 5000 ની આસપાસ પહોંચી ચુક્યો છે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્થિતી ખુબ જ ભયાનક છે. સુરત અને અમદાવાદની સ્થિતી તો એટલી ગંભીર બની છે કે એક પછી એક હોસ્પિટલનાં બેડ પણ ફુલ થઇ રહ્યા છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી અને કેટલાક કિસ્સામાં બહાર લોબીમાં બેસાડીને સારવાર અપાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં હવે વડોદરા બાદ અમદાવાદમાં પણ બેડ ફુલ થઇ ચુક્યા છે. 

રાજ્યમાં કોરોનાથી વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સીની જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ સામે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણી હતી. આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે માટે આદેશ આપ્યો છે. રાજ્યમાં કોવિડ19 મેનેજમેન્ટમાં સરકારની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. આવતીકાલે ચિફજસ્ટીસના વડપણવાળી બેંચ સુનવણી કરશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું તારણ કાઢ્યું હતું. 

આ પહેલા પણ ગુજરાતની હાઇકોર્ટ દ્વારા જ ટકોર કરવામાં આવ્યા બાદ સરકાર સફાળી જાગી હતી. ગુજરાતની વિપરિત થઇ રહેલી સ્થિતી અંગેનો તાગ મેળવ્યો હતો. રાત્રી કર્ફ્યૂ સહિતનાં કેટલાક નિયમો લાવવા ઉપરાંત ગુજરાતનાં 20થી વધારે શહેરોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution