દિલ્હી-

કોરોના મહામારીના કારણે એક વર્ષથી વધુ સમયથી સ્કૂલો બંધ હતી. જાેકે આ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલૂ હતાં. સ્કૂલ ખોલવાને લઈને બાળકોમાં અનેરો આનંદ જાેવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. તેના પહેલા તેમનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને ક્લાસરુમમાં બેસાડવામાં આવ્યાં. જાેકે પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી. ઉત્તરપ્રદેશમાં આજથી નાના બાળકો માટે પણ સ્કૂલો શરુ કરવામાં આવી છે. બાળકોના સ્વાગત માટે રંગબેરંગી કાર્ટૂન અને ફુગ્ગાઓ દ્વારા ક્લાસરૂમ શણગારવામાં આવ્યા. કોવિડના તમામ નિયમોને ધ્યાનમાં રાખીને બાળકોના ક્લાસ શરુ કરવામાં આવ્યાં. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની નવમા ધોરણથી બારમા ધોરણ સુધીની શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટએ શાળા વહીવટ અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ મુજબ સ્કૂલ ફરી ખુલશે ત્યારે વિદ્યાર્થીઓ સાથે લંચ નહીં કરી શકે. એક સાથે માત્ર ૫૦ ટકા વિદ્યાર્થીઓને જ બોલાવી શકાય છે. સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા મેનેજમેન્ટે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

રાજસ્થાનમાં ૪ મહિના પછી આજે વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરુ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચર ચેક કરીને સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. માત્ર ૪૦% વિદ્યાર્થીઓને જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. દરેક દિવસે અલગ બેન્ચના આધારે બાળકોને બેસાડવામાં આવશે. કોઈ વિદ્યાર્થીને સ્કૂલ જવા બાબતે કોઈ જબરદસ્તી નથી વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા મુજબ સ્કૂલ જવાનું પસંદ કરી શકે છે. કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો નોંધાતા દેશના કેટલાક રાજ્યોમાં આજે ફરીથી સ્કૂલો ખોલવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કડક પ્રોટોકોલ સાથે સ્કૂલો શરુ કરવામાં આવી છે. રાજ્ય સરકારોએ સ્કૂલોને કોવિડ-૧૯ ગાઈડલાઈન્સનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્કૂલોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફની થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહી છે.