ગુજરાત HCએ ઉત્તરાયણ ઉજવણી માટે રાજયની માર્ગદર્શિકા પર લગાવી મ્હોર, જાણો વધુ
08, જાન્યુઆરી 2021

અમદાવાદ-

આગામી અઠવાડિયે 14મી જાન્યુઆરીની ઉતરાયણની ઉજવણી કરવા પર કે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકવાની માંગણી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે અને ચોકકસ નિયમોનું પાલન કરીને ઉજવણી કરવાની છુટ આપી છે. જોકે પતંગોત્સવ દરમ્યાન ધાબા પર પરિવાર સિવાયના માણસોને એકત્રીત થવા પર મનાઇ ફરમાવામાં આવી છે. ઉપરાંત મ્યુઝીક સિસ્ટમ જેવો જલસો કરવાની પણ મનાઇ છે. નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

કોરોના કાળમાં મહામારી ફરી વખત વકરે નહીં તે માટે ઉતરાયણની ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરતી અરજી હાઇકોર્ટમાં થઇ હતી. આજે તેની સુનાવણી હતી. સુનાવણી દરમ્યાન રાજય સરકાર તરફથી નિયત કરેલા પગલાઓની માર્ગદર્શિકા રજુ કરવામાં આવી હતી. જેનાથી હાઇકોર્ટને સંતોષ થયો હોય તેમ ઉજવણી પર કે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકવાની માંગ ફગાવી દીધી હતી. રાજય સરકારે હાઇકોર્ટ સમક્ષ પેશ કરેલી માર્ગદર્શિકા પ્રમાણે મકાન કે એપાર્ટમેન્ટના ધાબા પર પરિવારના સભ્યો સિવાય અન્ય કોઇને હાજર નહીં રાખી શકાય. બહારના માણસોને ધાબા પર પ્રવેશ આપવામાં આવશે તો સોસાયટીના હોદેદારો સામે કાર્યવાહી કરવાની પણ જોગવાઇ રાખવામાં આવી છે. આ સિવાય ધાબા પર મ્યુઝીક સિસ્ટમ મુકીને થતા જલસા પર મનાઇ ફરમાવામાં આવી છે. 

સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરાવવાની પણ બાંહેધરી આપવામાં આવી હતી. આ સિવાય પતંગ બજારોમાં પણ ભીડ એકત્ર નહીં થવા દેવાનો નિયમ નકકી થયાનો સરકારે જણાવ્યું હતું. મેદાન કે રસ્તા પર પતંગ નહીં ઉડાડવા દેવાનું પણ કહેવાયું હતું. નિયમોનું પાલન કરાવવા માટે સીસીટીવી તથા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ર0ર0માં ગુજરાતનું પતંગ બજાર 600 કરોડનું હતુ અને તેના પર સવા લાખ જેટલા પરિવારો નભે છે આ સંજોગોમાં પતંગ ઉડાડવા કે ઉજવણી કરવા પર પ્રતિબંધ ન મુકી શકાય પરંતુ સરકારે જે નિયમો નકકી કર્યા છે તેનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેવો આદેશ આપ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution