પાલનપુર : બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર શહેરની પાંચ ગાયનેક તબિબોની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બે તબીબો દ્વારા સગર્ભા બહેનોનું સોનોગ્રાફી કર્યા બાદ તેનું રજિસ્ટર ન નિભાવતા મશીન સીલ કરવામાં આવતાં અન્ય તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાસકાંઠામાં કેટલાક ગાયનેક તબીબો દ્વારા સગર્ભા બહેનોની તપાસ કરી તેનું સોનોગ્રાફી મશીનમાં તપાસ કરવામાં આવતી હતી. પરંતુ તેનું રજિસ્ટર ન નિભાવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જેના પગલે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી મનિષ ફેન્સી, ડીસા બ્લોક હેલ્થ ઓફીસર જીજ્ઞેશ હરિયાણી દ્વારા નક્કી કરેલા સગર્ભા બહેનોને પાલનપુરની પાંચ ગાયનેક હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે મોકલવામાં આવી હતી.જેમાં બે હોસ્પિટલોના તબીબો દ્વારા સગર્ભા બહેનોને તપાસ કરી સોનોગ્રાફી મશીનથી તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેનું રજિસ્ટર ન નિભાવતાં બંને તબીબના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવતાં અન્ય ગાયનેક તબીબોમાં ફફડાટ પ્રસરી ગયો છે.પ્રસૂતા મહિલાના ગર્ભની મેલ-ફીમેલની ચકાસણી કરવી ગુનો છે. કેટલાક તબીબો દ્વારા પ્રસૂતા મહિલા ગર્ભમાંની ચકાસણી કરી તેના ગર્ભમાં મેલ છે કે ફીમેલ તે અંગેની જાણકારી આપવામાં આવતી હોવાની ચર્ચાઓના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તબીબોની હોસ્પિટલોનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બ્લોક હેલ્થ ઓફિસર જીજ્ઞેશ હરિયાણીના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નક્કી કરેલી સર્ગભા બહેનોને પાલનપુરની પાંચ ગાયનેક હોસ્પિટલમાં ચકાસણી અર્થે મોકલવામાં આવી હતી. જેમાંથી પૃથ્વી હોસ્પિટલ અને ન્યુ મહેશ્વરી હોસ્પિટલના તબીબો દ્વારા સર્ગભા બહેનોને સોનોગ્રાફી મશીનથી તપાસ કરાઈ હતી. પરંતુ તેનું રજિસ્ટર ન નિભાવતા બંને તબીબોના સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે. ગાયનેક હોસ્પિટલમાં સારવાર માટે આવતી બહેનોની સોનોગ્રાફી કરાઇ હોય તો રજીસ્ટેસન પાવતી,ઓપીડી રજિસ્ટેશન તેમજ સોનોગ્રાફી કરવામાં આવી તેનું ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ પાલનપુરના બે તબીબો દ્વારા રજિસ્ટર નિભાવવામાં આવ્યું ન હતું.