રાજકોટ-

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી છે.કમોસમી વરસાદથી સમગ્ર પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે. ખરીફ પાકને પણ ભારે નુક્સાન થવાની ભીતિ છે. દિવાળીની ઘરાકી પણ હવે તદ્દન નિષ્ફળ જવાની ભીતિ વેપારીમાં સેવાઇ રહી છે. મંદીના માહોલ વચ્ચે દિવાળીમાં થોડી ઘણી ઘરાકી નીકળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. દિવાળીના તહેવારો પૂર્વે જ એકાએક કમોસમી વરસાદ પડતાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોમાં નુક્સાન નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

ભાવનગર જિલ્લામાં ગઈકાલે બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આસો મહિનામાં ચોમાસાની વિધિવત વિદાય થઈ ચૂકી હોય છે. અમરેલી જિલ્લાનો ખેડૂત હજી તો તાઉ-તેની અસરમાંથી માંડ બહાર નીકળી રહ્યો છે ત્યાંજ વધુ એકવાર ખેતી પર સંકટ સર્જાયું હતું. બપોરના સમયે સાવરકુંડલા પંથકના મોટા ભામોદ્રા અને છેલણા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોટા ભામોદ્રા ગામમાં તો ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા.

ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી પડ્યો. જેની અસર ખેડૂતોને ખેતર સાથે સાથે માર્કેટ યાર્ડમાં રહેલા પાક પર થઇ. ખેતરમાં અતિવૃષ્ટિથી બચેલો થોડો ઘણો પાક પણ આ વરસાદમાં નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઇ છે.