લખનઉ-

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ શનિવારે કહ્યું છે કે ધર્મનિરપેક્ષતા વૈશ્વિક સ્તર પર ભારતીય પરંપરા માટે મોટો ખતરો છે અને જે લોકો ભારતની વિરુદ્ધ પ્રોપાગેન્ડા ફેલાવી રહ્યા છે, તેમને સજા ભોગવવી પડશે.

યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં ચેતવણીના સ્વરમાં કહ્યું કે, પોતાના લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરવા અને દેશને દગો આપનારાઓને છોડવામાં નહીં આવે. જે લોકો થોડાક પૈસા માટે ભારત વિશે જૂઠી વાતો ફેલાવી રહ્યા છે તેમણે કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘ગ્લોબલ ઇનસાઇકલોપીડિયા ઓફ રામાયણ’ની ‘કર્ટેન રેઝર’ પુસ્તકના વિમોચન કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રાજ્યનું સંસ્કૃતિ વિભાગે કર્યું હતું. મુખ્યમંત્રીએ શોધ સંસ્થાન દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોનું પણ વિમોચન કર્યું. તેઓએ આ દરમિયાન કહ્યું કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને ગ્લોબલ ઇનસાઇક્લોપીડિયા ઓફ ધ રામાયણના લૉન્ચને વધુ ખાસ બનાવી દીધું છે.

યોગી આદિત્યનાથે ભારતના ધર્મનિરપેક્ષતા પર બોલતા લોકોને અપીલ કરી છે કે નાના સાંપ્રદાયિક વિવાદોમાં સામેલ થઈને દેશની મૈત્રીપૂર્ણ ભાવનાને ગુમાવે નહીં. તેઓએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભગવાન શ્રીરામની સંસ્કૃતિ પહેલી સંસ્કૃતિ છે, જેને વૈશ્વિક મંચ પર પોતાનું સ્થાન ઊભું કર્યું. તેના હજારો વર્ષો બાદ ભગવાન બુદ્ધની સંસ્કૃતિ વૈશ્વિક મંચ પર સ્થાપિત થઈ.