વડોદરા : ગોલ્ડનચોકડી નજીક ચાની લારીનો ધંધો પડાવી લેવાના મુદ્દે ચાર વર્ષ અગાઉ ફુલહાર કરનાર દંપતી વચ્ચે થયેલી તકરારમાં પત્નીએ પતિને પકડી રાખતા પત્નીના ત્નીના જમાઈએ પતિ અને લારી પર કામ કરતા સગીર પર ખંજર વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા સગીરને બેભાનવસ્થામાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વારસિયાની વાસવાણી કોલોનીમાં રહેતા ૩૩ વર્ષીય જીતેન્દ્ર ઉર્ફ જીતુ જવરલમ લાલવાણીએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ હું હાઈવે પર ગોલ્ડનચોકડી શ્રીરંગમાર્કેટ સામે ચાની લારી ચલાવુ છું. મે રેખા નામની યુવતી સાથે ચાર વર્ષ અગાઉ ફુલહાર કર્યા છે અને ત્યારથી અમે બંને મળીને લારી ચલાવીયેે છે તેમજ લારી પર ૧૬ વર્ષનો અજયને કામે રાખ્યો હતો. મારી પત્ની રેખા બીજાપુરુષો સાથે સંબંધો રાખતી હોય અને મે તેનો વિરોધ કરતા તેણે મારી સાથે ઝઘડો કરી મારી લારીનો ધંધો પડાવી લઈ મને બેકાર કરી દીધો છે. ગઈ કાલે સાંજે હું અને અજય અમારી લારી પર જતા રેખામાં ફરી મારી સાથે ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી કે તું અહી આવતો નહી, નહીતર મારા જમાઈને કહીને તને મરાવી નાખીશ. તેણે મને છુટ્ટો પથ્થર મારી માથામાં ઈજા પહોંચાડી હતી જેની મે એસએસજીમાં રિક્ષા પલ્ટી ગઈ છે તેમ કહીને સારવાર લીધી હતી.

આજે બપોરે હું અજય અને મારી સાથે કામ કરતા સગીર વયના અબ્દુલ સાથે ચાની લારી પર ગયો હતો જયાં રેખાનો જમાઈ દિલીપ બાબુ પાતાણી મારી ચાની લારી પર ધંધો કરતો હોઈ આ મુદ્દે મારો તેની સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન લારીની પાછળ રહેતી રેખા બહાર દોડી આવી હતી. તેણે મને પકડી રાખતા તેના જમાઈએ મારા બંને પગના સાથળમાં ખંજરના ઘા ઝીંક્યા હતા જેથી હું બચવા માટે ભાગ્યો હતો. આ વખતે અજય મને બચાવવા માટે વચ્ચે પડતા દિલીપે તેના પણ પેટમાં ખંજરના ઘા ઝીંકતા તેના પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતા અને તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. હું જીવ બચાવીને ભાગીને રિક્ષામાં સયાજી હોસ્પિટલ પહોંચતા અજયને પણ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ત્યાં લાવવામાં આવ્યો હતો અને અમારા બંનેની સારવાર ચાલું છે.’ આ ફરિયાદના પગલે હરણી પોલીસે રેખા અને તેના જમાઈ દિલીપ પાતાણી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.