વડોદરા, તા.૨૮

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રેન્ચ લેસ પદ્ધતિથી નવી ડ્રેનેજની ગ્રેવિટી લાઇનની કામગીરી કરવામાં આવનાર છે જેથી અમિત નગર ચાર રસ્તા થી વીઆઇપી રોડ પર વુડા ઓફિસ તરફ જતા બ્રિજ નીચેનો સર્વિસ રોડ તમામ પ્રકારના વાહનો માટે તેમજ અવરજવર માટે બંઘ કરવામાં આવ્યો છે.આ રસ્તો કામગીરી પૂરી થતા સુઘી આગામી ત્રણ મહિના બંઘ રહેશે.

શહેરના ઉત્તર ઝોનમાં વીઆઈપી ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશનમાં અમિત નગર બ્રિજ, વુડા ચાર રસ્તા તરફથી તેમજ બ્રાઇટ સ્કૂલ વાળા ઉત્તર તરફના વિસ્તારમાંથી આવતી ડ્રેનેજ લાઈન ૪૦ મીટર નો રીંગ રોડ ક્રોસ કરી આશિષ પાર્ક સોસાયટી પાસે રસ્તાની દક્ષિણ બાજુમાં અંદાજે ૬.૭૫ મીટરની ઊંડાઈમાં આવેલી છે. આ ડ્રેનેજ લાઈને કાર્યરત નથી જેથી બ્રાઇટ સ્કૂલ પાસેથી રસ્તો ક્રોસ કરીને પંમ્પિંગ સ્ટેશન તરફ જતી લાઈનમાં ડ્રેનેજ ફલોનું વહન થતું નથી. બ્રાઈટ સ્કૂલ પાછળ આવેલા વિસ્તારના ડ્રેનેજ પાણીનો નિકાલ બ્રાઇટ સ્કૂલ સામે આવેલા વીઆઈપી પંપિંગ દ્વારા થાય છે ,પરંતુ વીઆઈપી પંપિંગમાં જતી ડ્રેનેજ લાઈન કાર્યરત ન હોવાથી હાલ બ્રાઇટ સ્કૂલની પાછળ વિસ્તારના ડ્રેનેજ ના મલિન જળનો નિકાલ કામ ચલાઉ ઓવરફ્લો થી કરાય છે. જેથી ડ્રેનેજનાા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેથી બ્રાઇટ સ્કૂલ પાસેના મેન હોલ થી વીઆઇપી પમ્પિંગમાં જતી ડ્રેનેજ લાઈન નવી નાખવાની જરૂ છે. ૪૦ મીટરનો વીઆઇપી રોડ મેન્યુઅલ પદ્ધતિથી ક્રોસ કરી પાઇપ નાખી એપીએસ પાસે આવેલ હયાત મેન હોલ સાથે જાેડાણ કરવાનું છે. આ કામગીરી ઓવરબ્રિજ પાસે વીઆઈપી વ્યુ કોમ્પલેક્ષ પાસે થવાની હોવાથી પંપીંગ તરફનો સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે આશરે ૧.૨૭ કરોડનો ખર્ચ થશે.