દિલ્હી-

લિબિયામાં અપહરણ કરાયેલા સાત ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. ટ્યુનિશિયામાં ભારતીય રાજદૂત પુનીત રોય કુંડલે આ માહિતી આપી છે. ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને બિહારના આ રહેવાસીઓનું 14 સપ્ટેમ્બરના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ ભારત પરત ફરવા માટે જ્યારે ત્રિપોલી એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેઓનું લિબિયાના અસહવેરીફ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.

લિબિયામાં કોઈ ભારતીય દૂતાવાસ નથી અને ટ્યુનિશિયામાં ભારતીય મિશન ફક્ત લિબિયામાં ભારતીયોની દેખરેખ રાખે છે. ગુરુવારે ભારતે 7 ભારતીયોના અપહરણની પુષ્ટિ કરતા કહ્યું હતું કે દરેકને બચાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અપહૃત નાગરિકોને શોધી કાઢવાની સાથે તેઓ તેમને મુક્ત કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. આ લોકો બાંધકામ અને તેલ કંપનીઓમાં કામ કરતા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ટ્યુનિશિયામાં અમારી દૂતાવાસે લિબિયા સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સંપર્ક કર્યો છે. અપહરણ કરાયેલા નાગરિકો સુરક્ષિત છે અને તેમનો ફોટો બતાવવામાં આવ્યો છે. અપહરણ કરાયેલા લોકોના પરિવારજનો સાથે અમે સતત સંપર્કમાં છીએ.

સપ્ટેમ્બર 2015 માં, ભારત સરકાર વતી, નાગરિકોને સલામતી માટે લિબિયાની યાત્રા કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી હતી. આ પછી, મે 2016 માં, સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીબિયા પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. મુસાફરી પર પ્રતિબંધ હજી પણ ચાલુ છે.