બિહારમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
19, નવેમ્બર 2020

દિલ્હી-

બિહાર વિધાનસભા ચૂંટરીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષમાં સમીક્ષા કરવાની સતત માંગ ઉઠી રહી છે અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવાની માંગણી પણ પ્રબળ બની રહી છે. આ ક્રમમાં હવે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનની સમીક્ષા કરવાનું એલાન કર્યા બાદ પક્ષના અનેક નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દેવાની જાહેરાત કરી છે. કોંગ્રેસી સૂત્રોના જણાવ્યા અનુસાર બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે પોતાનું રાજીનામું પક્ષ પ્રમુખને મોકલી દીધું છે. બીજી બાજુ પક્ષ પ્રમુખ મદન મોહન ઝા સહિત અનેક નેતાઓએ પણ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પક્ષની અંદર એ માંગ જોર પકડી રહી છે કે ગઠબંધનમાં મજબૂત સીટ પર જ ચૂંટણી લડવી જોઈએ. ગઠબંધનમાં વધુ સીટ ઉપર ચૂંટણી લડવાની કોશિમાં અનેક એવી સીટ લઈ લેવામાં આવે છે જેને જીતવી અસંભવ હોય છે. કોંગ્રેસ નેતા તારીક અનવર સહિત અનેક નેતાઓએ પક્ષમાં આત્મમંથન કરવાની જરૂરિયાત ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતાઓના એક જૂથે બિહાર ચૂંટણીમાં પક્ષના પ્રદર્શનની સમીક્ષાની માંગ કરી હતી. વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે તો હવે કારગત પગલું ઉઠાવવાની પેરવી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં તાજેતરમાં જ સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ઘટક પક્ષ કોંગ્રેસ માત્ર 19 સીટ જ જીતી શકી હતી. તેણે આ ચૂંટણીમાં 70 બેઠક ઉપર ઝંપલાવ્યું હતું. તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધનનું સત્તાથી દૂર રહી જવાનું એક મુખ્ય કારણ કોંગ્રેસના આ નિરાશાજનક પ્રદર્શનને પણ ગણવામાં આવી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution