મુંબઈ-

શેરબજારમાં બુધવારે સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો છે. બીએસઈ સેન્સેક્સ 404 અંકોના વધારા સાથે 50,155.58 પર વેપાર કરી રહ્યો છે. ઈન્ડેક્સમાં એક્સિસ બેંક અને એચડીએફસી બેંકોના શેરોમાં સૌથી વધારે 2.2 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે, જ્યારે ટીસીએસના શેરોમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે.

બજારમાં રોકાણકારોએ સૌથી વધારે સરકારી બેંકોના શેરોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને મહારાષ્ટ્ર બેંકના શેરોમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. રીયલ્ટી અને મેટલ શેરોમાં પણ ભારે ખરીદી થઈ રહી છે. એનએસસી નિફ્ટી પણ 112 અંક ઉપર એટલે કે 14,820.45 પર વેપાર કરી રહ્યો હતો. કોલ ઈન્ડિયાના શેરો 5 ટકા ઉપર ચાલી રહ્યા છે.એક્સચેંજ પર 2796 શેરો પર ટ્રેડિંગ ચાલી રહ્યું હતું, જે પૈકી 1729 શેરોમાં વધારો જ્યારે 933 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આવા ઉછાળાને પગલે લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી 202.85 લાખ કરોડ થઈ ગઈ હતી, જે ગઈકાલે 201.39 લાખ કરોડ હતી. 

વિશ્વના મોટાભાગના શેરબજારોમાં કડાકો નોંધાયો છે. જાપાની શેરબજારના ઈન્ડેક્સ નિક્કેઈમાં પણ 292 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.