કાઠમાંડૂ-

નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળી સુપ્રિમ કોર્ટએ મહત્વનો આદેશ રજૂ કર્યો છે. નેપાળી સુપ્રિમ કોર્ટએ આદેશ આપ્યો છે કે, શેર બહાદુર દેઉબાને બે દિવસની અંદર જ પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે. રાષ્ટ્રપતિ વિદ્યા ભંડારીએ થોડાંક દિવસ અગાઉ સંસદને ભંગ કરી દીધી હતી. રાષ્ટ્રપતિના ર્નિણય વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટએ આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ નેપાળમાં મહીનાથી ચાલી રહેલો રાજકીય અંતરાય ખતમ થઇ જશે.

તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ભલામણ બાદ રાષ્ટ્રપતિ વિદ્યા ભંડારીએ પાંચ મહીનામાં બે વખત સંસદના નીચલા ગૃહને ભંગ કરી દીધી હતી. સંસદ ભંગ કર્યા બાદ ૧૨ અને ૧૯ નવેમ્બરના રોજ મધ્યમ ગાળાની ચૂંટણી કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીને લઇને અને રાષ્ટ્રપતિના ર્નિણય વિરૂદ્ધ નેપાળી સુપ્રિમ કોર્ટમાં ૩૦ અરજી દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, ૨૭૫ સભ્યો સંસદમાં વિશ્વાસ મત દરમ્યાન હાર્યા બાદ પણ ઓલી અલ્પમત સરકારનું નેતૃત્વ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ તેમના હાથમાંથી કમાન લઇ લેવામાં આવશે.

રાષ્ટ્રપતિના ર્નિણય વિરૂદ્ધ વિપક્ષી દળોના ગઠબંધન તરફથી પણ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરફથી સંસદના નિચલા ગૃહનો ભંગ કરવાના આદેશને રદ કરવામાં આવે અને નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાને પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે. વિપક્ષીઓ તરફથી દાખલ અરજીમાં ૧૪૬ સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતાં.