અરવલ્લી,ધનસુરા : ધનસુરા તાલુકાના શીકા ગામમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાય એવી શક્યતા છે. શીકા ગ્રામ પંચાયત તંત્ર ગંદકી દૂર કરવા બાબતે નિષ્ક્રિય છે.સમગ્ર શીકા પંથકના નાગરિકોને આરોગ્યની સુવિધા આપી રહેલા શીકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર આગળ કાદવ કીચડ હોય તો પછી અન્ય સ્થળોએ તો શું સ્થિતિ હશે? પંચાયતની કચેરીની બાજુમાં જ આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડીના પ્રવેશ દ્વાર આગળ જ ગંદા પાણીના ખાબોચિયાં ભરાયાં હોય તો પણ તંત્રને કોઈ ગંભીર બાબત લાગતી નથી.આ ગંદકી માટે જવાબદાર પરિબળોમાં એક બાબત ધ્યાનમાં આવે છે એ કે ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ ગટરલાઇનના કામમાં થયેલ ગેરરીતી.આ વિસ્તારમાં બનાવાયેલ ગટરલાઇનના કામોમાં તાલુકા પંચાયતના બાંધકામ ખાતામાં ફરજ બજાવતા ઈજનેર પાસે પ્લાન બનાવ્યો છે કે કેમ? એ મોટો પ્રશ્ન છે કેમકે તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં જ બનાવવામાં આવેલી ગટરલાઇન રસ્તા કરતાં ઊંચી બનાવેલી છે એટલે પાણી રસ્તા પર ભરાઈ જતા ગંદકી થાય છે.ગામના કેટલાક રહેણાંક વિસ્તારમાં પણ પાણી નિકાલના યોગ્ય આયોજનના અભાવે પાણી ભરાઈ જતાં ગંદકી થાય છે.આ ગંદકીને કારણે રોગચાળો ફેલાય તે પહેલાં આ સમસ્યાનો ઉકેલ આવે એ માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.