ભોપાલ-

રાજા, વાજા ને વાંદરા વિફરે ત્યારે શું કરી બેસે એ કંઈ કહેવાય નહીં, એવી કહેવતને સાચી ઠેરવતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના સીધી જિલ્લાના એક પીડબલ્યુડીના ઈજનેરને એકાએક નોટીસ ફટકારી દીધી હતી. 

વાત એમ છે કે, પાંચ દિવસ પહેલા જિલ્લામાં થયેલા ગોઝારા અકસ્માતમાં માર્યા ગયેલાઓના પરીવારજનોને મળવા માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ સીધી ગયા હતા. વ્યસ્ત કાર્યક્રમને લીધે તેમણે ત્યાં સરકીટ હાઉસમાં રોકાવું પડે એમ હતું. તેમને સરકીટ હાઉસનો રૂમ નંબર એક ફાળવવામાં આવ્યો હતો.  રાત્રી દરમિયાન મચ્છરોએ શિવરાજસિંહને પરેશાન કરી મૂક્યા. સવારે સાથી કર્મચારીઓ અને નેતાઓને લાગ્યું હતું કે, મુખ્યમંત્રી ઠીક સૂઈ નથી શક્યા. મુખ્યમંત્રીએ તરત જ માણસો દોડાવીને તપાસ કરાવતાં ખબર પડી કે, કેમ્પસની ટાંકી ગળતી હોવાથી પાણી ભરાય છે અને તેમાં મચ્છર થાય છે. મુખ્યમંત્રીએ આ બાબતે તરત જ તંત્રનો ઉધડો લીધો અને નોટીસ ફટકારવા આદેશ આપી દીધો હતો. રેવા ડિવિઝનલ કમિશનર દ્વારા દેવેન્દ્ર કુમાર સિંઘને ફટકારાયેલી કારણદર્શક નોટીસમાં પુછાયું છે કે, તેમની બેદરકારી બદલ તેમનો બે વર્ષનો પગારવધારો શા માટે ન અટકાવવો.