અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ બનતા મ્યુનિસિપ કોર્પોરેશન અને સરકારની ઉંઘ ઉડી ગઇ છે અને દોડાદોડ વધતા તંત્ર ઘાંઘુ થઇ ગયુ છે. છ ના મોત સાથે કોરોનાના એક જ દિવસમાં ૮૩૯૧ કેસનો વિસ્ફોટ થતાં સરકાર ધ્રુજી ઉઠી છે તો સામે અમાદવાદ જિલ્લામાં ૧૩૮ કેસ નોંધાતા તંત્ર હાંફળુ ફાંફળુ થઇ ગયુ છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૨૦ હજાર ૯૬૬ કેસ નોંધાયા છે. આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓ મોત થયા છે અને ૯ હજાર ૮૨૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થઈને ૯૦ હજારને પાર થયાં છે. બીજી લહેરમાં સૌથી વધુ ૧૪ હજાર ૬૦૫ કેસ ૩૦ એપ્રિલે નોઁધાયા હતા. જે ૨૬૩ દિવસ અગાઉ હતાં, તો ૨૩૩ દિવસ બાદ આટલાં મોત થયાં છે. અગાઉ ૯ જૂને ૧૦નાં મોત નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં ૬, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં ૨-૨, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં ૧-૧ મળી કુલ ૧૨નાં મોત થયાં છે.

રાજ્યમાં આજે ૨૦૯૬૬ કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે.

કોરોનાનું સંક્રમણ વધતા સચિવાલયના કર્મીઓમાં ફફડાટ

ગાંધીનગર રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસોમાં દિન-પ્રતિદિન ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિવાલયમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેને લઈને ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને સચિવાલયમાં ૫૦ ટકા હાજરી કાર્યરત રાખવા અને કાર્ડ સ્વાઈપમાંથી મુક્તિ આપવાની માંગણી કરાઈ છે. ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના પ્રમુખ મહેશસિંહ વાઘેલા અને મહામંત્રી ડૉ. ધર્મેશ નકુમ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યો છે. આ આવેદન પત્ર દ્વારા સચિવાલય સ્ટાફ એસોસિએશને માંગણી કરી છે કે, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ જ ઝડપથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા દસ દિવસમાં દોઢ ગણા કેસો વધ્યા છે. જેને ધ્યાનમાં લઈને ભારત સરકારના પર્સોનલ, પબ્લિક ગ્રીવેન્સિસ એન્ડ પેન્શન્સ મંત્રાલય દ્વારા તા. ૩/૧/૨૦૨૨ના ઓફીસ મેમોરન્ડમથી કચેરીઓમાં ૫૦ ટકા હાજરી કચેરીઓ ચાલુ રાખવા તથા ઇલેક્ટ્રોનિક્સ હાજરી પ્રથા બંધ કરી છે. ત્યારે ભારત સરકારના આ ર્નિણયને અનુલક્ષીને ગુજરાતમાં હાલ કોરોનાની મહામારીનું સંક્રમણ અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફેલાતું અટકાવવા માટે અધિકારીઓ/કર્મચારીઓને વિભાગ કચેરીમાં ૫૦ ટકા હાજરી સાથે કચેરીઓ ચાલુ રાખવા અને કાર્ડ સ્વાઈપમાંથી મુક્તિ આપવા માટે ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત એસોસિએશન દ્વારા સચિવાલયના બ્લોક નંબર ૭ અને ૧૪ ના ભોંયતળિયે કોરોનાના ટેસ્ટિંગ બૂથને શરૂ કરવામાંની પણ માંગણી કરવામાં આવી છે.

જિલ્લામાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો

જિલ્લામાં આજે ૧૩૮ કોરોના કેસ નોંધાયા છે જેમાં આજે સાણંદ ૫૫ કેસો, વિરમગામમાં ૧૧કેસ,માંડલમાં ૪ અને ધોળકામાં ૯ કેસ, અને ધોલેરામાં ૬ કેસ, ધંધુકામાં ૧૫, દેત્રોજમાં ૦ કેસ, દસક્રોઈમાં ૩૦ અને બાવળમાં ૮ કેસ નોંધાયા છે, કોરોના કેસો વધતા હવે જિલ્લા આરોગ્ય વિભાગ એ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધાર્યા છે. આજે ૧૦ જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં સૌથી વધુ સાણંદ અને શેલામાં માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. આજે ૭૯ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના કેસ સામે એક પણ મૃત્યુ નોંધાયું નથી. કોરોના થી અત્યાર સુધીમાં ૯૬ લોકોના મૃત્યુ થાયા છે તે સંખ્યા સ્થિર રહી છે.

 રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમને ટૂંકાવાયો

ગાંધીનગર રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રાજ્યકક્ષાના કાર્યક્રમને ટૂંકાવવામાં આવ્યો છે. ગિર-સોમનાથ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમને માત્ર ૩૨ મિનિટમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલના એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ગઈકાલે મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા કેસોનો આંકડો ૧૭ હજારને પાર કરી ગયો હતો. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે મોડી સાંજે રાજ્ય સરકારે રચાયેલી તબીબો, તજજ્ઞ સહિતનાની બનેલી ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં એસએમએસ એટલે કે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૨૬મી જાન્યુઆરીના રોજ ગિર-સોમનાથ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમને પણ ટુંકાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગિર-સોમનાથ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગિર-સોમનાથ જિલ્લામાં યોજાનારા રાજ્યકક્ષાના તેમજ રાજ્યમાં યોજાનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવાનો રાજ્ય સરકાર દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે.

બાપુનગરના એમએલએ હિંમતસિંહ પટેલ કોરોના પોઝિટિવ

ગાંધીનગર રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણમાં એક પછી એક ધારાસભ્ય અને રાજકીય નેતાઓ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. છેલ્લા ૧૮ દિવસથી કોરોનાના નવા કેસોમાં દિન પ્રતિદિન ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણથી ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ બચી શક્યા નથી. કોરોનાની કહેવાતી આ ત્રીજી લહેરમાં રાજ્ય સરકારના મંત્રીઓ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહીત કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.